For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રિ-સ્કૂલ રજિસ્ટ્રેશનનો બહિષ્કાર કરતા સંચાલક મંડળો

01:25 PM Feb 20, 2024 IST | Bhumika
પ્રિ સ્કૂલ રજિસ્ટ્રેશનનો બહિષ્કાર કરતા સંચાલક મંડળો
  • ફી ની જોગવાઇ સહિતના વિવિધ મુદ્દે વિરોધ: સૂચના ન મળે ત્યા સુધી નોંધણી નહીં કરવા શાળા સંચાલકોને તાકીદ

રાજ્યમાં આવેલી પ્રિ-સ્કૂલ માટે સોમવારથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે, પરંતુ રાજ્યના ત્રણ મોટા સંચાલક મંડળ દ્વારા તમામ સ્કૂલોને હાલમાં રજિસ્ટ્રેશન ન કરવા માટે આદેશ અપાયો છે. રજિસ્ટ્રેશન માટેની જે જોગવાઈઓ નક્કી કરવામાં આવેલી છે તેની સામે સંચાલક મંડળને વાંધો છે અને તેને લઈને આગામી દિવસોમાં રાજ્યના ત્રણ મોટા સંચાલક મંડળની એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં પ્રિ-સ્કૂલના રજિસ્ટ્રેશન માટે નક્કી કરેલી જોગવાઈઓ પૈકી જે જોગવાઈ સામે વાંધો છે તેના મુદ્દા અલગ તારવી સરકારમાં રજૂઆત કરવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે એક વર્ષની સમય મર્યાદા હોવાથી નિરાકરણ આવ્યા બાદ મંડળ દ્વારા સૂચના મળ્યા પછી જ રજિસ્ટ્રેશન કરવા માટે સંચાલકોને તાકીદ કરાઈ છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં નવી તથા હયાત પ્રિ-પ્રાયમરી સ્કૂલોના નિયમન માટે ઠરાવ બહાર પાડવામાં આવ્યા બાદ હવે સોમવારથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. જેમાં હયાત પ્રિ-સ્કૂલોએ એક વર્ષની મર્યાદામાં તથા નવી પ્રિ-પ્રાયમરી સ્કૂલોએ સંસ્થા શરૂૂ કરતા પહેલા રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવાની રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. રજિસ્ટ્રેશનને લઈને શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા નક્કી કરાઈ છે, જેમાં રજિસ્ટ્રેશન માટેની જોગવાઈઓ પણ જાહેર કરવામાં આવી છે. જોકે, રજિસ્ટ્રેશન માટેની જોગવાઈઓ પૈકી અમુક જોગવાઈઓને લઈને સંચાલક મંડળે વાંધો ઊભો કર્યો છે. જેથી જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી રજિસ્ટ્રેશન ન કરવા માટે તમામ સંચાલકોને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રાજ્યના ત્રણ મોટા સંચાલક મંડળ ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા તમામ સ્કૂલ સંચાલકોને પત્ર લખી હાલમાં રજિસ્ટ્રેશન ન કરવા આદેશ કરાયો છે. જેમાં જણાવાયું છે કે, આગામી દિવસોમાં ત્રણેય સંચાલક મંડળની સંયુક્ત બેઠક મળશે અને ત્યારબાદ તેમાં નિર્ણય કરવામાં આવશે. જેથી સંચાલક મંડળની બેઠક બાદ સૂચના ન મળે ત્યાં સુધી હાલ પૂરતી રજિસ્ટ્રેશનની કાર્યવાહી ન કરવા જણાવાયું છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સંચાલક મંડળ દ્વારા પ્રિ-સ્કૂલની વિવિધ જોગવાઈઓ પૈકી અમુક જોગવાઈઓ સામે વાંધો છે. જેમાં સૌપ્રથમ તો પ્રિ-સ્કૂલના રજિસ્ટ્રેશન માટે વર્ગ દીઠ રૂૂ. 5 હજારની ફી નક્કી કરવામાં આવી છે તેની સામે વિરોધ છે. સંચાલક મંડળ દ્વારા વર્ગ દીઠ ફી સામે વાંધો ઉઠાવ્યો છે. સંચાલક મંડળના મત અનુસાર પ્રિ-સ્કૂલ દીઠ ફી રાખવી જોઈએ, તેના બદલે વર્ગ દીઠ ફી રાખવામાં આવી છે તે યોગ્ય નથી. આ ઉપરાંત 15 વર્ષનું ભાડા કરાર સબ રજિસ્ટ્રારમાં નોંધાયેલું હોવું જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જ્યાં પ્રાથમિક સ્કૂલો ચાલે છે ત્યાં તો ભાડા કરાર મળી રહેશે, પરંતુ અન્ય સંસ્થાઓને મુશ્કેલી પડી શકે છે. પ્રિ- સ્કૂલના રજિસ્ટ્રેશન માટે એક વર્ષની મર્યાદા હોવાથી હાલમાં સંચાલકોને રજિસ્ટ્રેશન ન કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સંચાલક મંડળની સંયુક્ત બેઠક બાદ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવશે. સરકારમાં રજૂઆત બાદ જોગવાઈઓમાં ફેરફાર થયા બાદ સંચાલક મંડળ દ્વારા રજિસ્ટ્રેશન માટે સૂચના આપવામાં આવે ત્યાર બાદ જ રજિસ્ટ્રેશન કરવા માટે સંચાલકોને તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement