સૌરાષ્ટ્રમાં ગોપાલા... ગોપાલા; ભાજપ-કોંગ્રેસ ઉપર ઇટાલિયા ભારી
ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું સિઝન ટાણે જનસભામાં ઉમટતી મેદની ભાજપ માટે રેડ સિગ્નલ, બન્ને મુખ્ય પાર્ટીના દુભાયેલા કાર્યકરોનું ‘આપ’ તરફ આકર્ષણ વધ્યુ
ટીપીના નામે 40 ટકા જમીન કપાત, કાયદો-વ્યવસ્થા, ખેડૂતોને સહાયમાં રાજરમત, અમલદાર શાહી સહિતના સંવેદનશીલ મુદ્દાઓ સરકાર માટે ચેતવણી
ભાજપના ધારાસભ્યોના મૌન સાથે તીખા સવાલો, વિસાવદરવાળી કરવાના નારા વચ્ચે ઇટાલિયાનો ‘તોડ’ શોધવામાં ભાજપ સરકાર અને સંગઠન નિષ્ફળ
ગુજરાતમા વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીમા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થયા બાદ સૌરાષ્ટ્રમા ભાજપ સરકાર અને વિપક્ષ કોંગ્રેસ સામેની નારાજગીનો ‘આપ’ ને લાભ મળી રહયો હોય તેમ ગોપાલ ઇટાલિયાની સભાઓમા ઉમટતી ભીડ તથા ભાજપ-કોંગ્રેસના કાર્યકરોનુ આમ આદમી પાર્ટી તરફ વધી રહેલુ આકર્ષણ આગમના એંધાણ સમાન ગણાવાઇ રહયુ છે.
ગુજરાતમાં કાયદો - વ્યવસ્થા, ભાંગેલા રસ્તા, રોજગારી અને અધિકારી રાજ સહિતના મુદે ભાજપ સરકાર સામે લોકોમા ભારે નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ગુજરાતભરમા ફેરવી તક ઝડપી લેવાનુ શરૂ કર્યુ છે. ગોપાલ ઇટાલિયાના મૂદા અને લોજિકલ વાતોથી લોકો આકર્ષાઇ રહયા છે અને નાના સેન્ટરોમા યોજાતી સભાઓમા પણ ગોપાલ ઇટાલિયાને સાંભળવા ભીડ એકઠી થઇ રહી છે તે સૂચક મનાય છે.
વિસાવદરની પેટા ચુંટણીના પરિણામો બાદ અચાનક રાજકીય પવન બદલાવા લાગ્યો છે. 30 વર્ષથી સતાધીન પાર્ટી ભાજપ સૌરાષ્ટ્રમાં હજુ સુધી ગોપાલ ઇટાલીયાનો તોડ શોધી શકી નથી. ઠેર-ઠેર લોકોમાંથી ઉઠતા વિસાવદરવાળી કરવાના નારા ભાજપની નબળાઇ ઉપર મીઠુ ભભરાવવા સમાન બની રહ્યા છે તેવામાં ખેતીની જમીનમાં 40 ટકા સરકારી કપાત, ખેડુત સહાયમાં રાજરમત, કાયદા-વ્યવસ્થાની સ્થિતિ, અધિકારી શાસન અને ભાજપના ધારાસભ્યોના મૌન સહીતના સંવેદનશીલ મુદા ગોપાલ ઇટાલીયા ઉઠાવી લોકોની ભીડ એકઠી કરવામાં અને ભાજપ- કોંગ્રેસના દુભાયેલા નેતાઓને આકર્ષવામાં સફળ થઇ રહ્યા છે. ભાજપના નેતાઓ શાહમૃગી વૃતિમાં રહેશે તો વિકલ્પ ઝડપથી ઉભો થઇ શકે છે. જયારે કોંગ્રેસની થોડીઘણી બચેલી જમીન પણ છીનવાઇ શકે છે.
શનિ-રવિ દરમિયાન ગોપાલ ઇટાલીયાએ જુનાગઢ નજીકના ઝાંઝરડા ગામે ખેડુત સંમેલન યોજી 40 ટકા જમીન કપાત મફતમાં લેવાની કોઇ જોગવાઇ નહીં હોવાનું જણાવી ખેડુતોને આ મુદે અવાજ ઉઠાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત માળીયા (હાટીના) ખાતે સંમેલન યોજતા ભાજપના પુર્વ મંત્રી જવાહર ચાવડાના અનેક ટેકેદારો આપમાં જોડાઇ ગયા હતા. જયારે મજેવડી ગામે યોજાયેલ જનસભામાં ઉપસ્થિત જનમેદની વિચારતા કરી મુકે તેવી હતી.
આ સિવાય વાંકાનેર તાલુકાના મેસવડા ગામે પણ ઇટાલીયાએ જાહેર સભા યોજી હતી. ત્યાં પણ ચોમાસાની ખેતીની સિઝનમાં લોકોની હાજરી નોંધપાત્ર હતી.
ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદાર સહિત 450 લોકો ‘આપ’ માં જોડાયા
માળીયા હાટીના ખાતે ભાજપના પૂર્વ મંત્રી અને હાલ હાંસિયામાં ધકેલાઈ ગયેલા જવાહર ચાવડાના ખાસ ટેકેદાર અને જિલ્લા પંચાયતના પ્રભારી રમેશ કોદાવલા અને જિલ્લા યુવા ભાજપ આગેવાન અંકિત કોદાવલા પોતાના 450 થી પણ વઘારે કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના હસ્તે ખેસ ધારણ કરીે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો. પ્રદેશ ભાજપાના કારોબારી સભ્ય અને સમસ્ત સગર સમાજના પ્રમુખે ભાજપ છોડતા પ્રદેશ ભાજપમા ભડકો થયો છે. માળિયા મુકામે યોજાયેલ આમ આદમી પાર્ટીની સભામાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદાર અને પ્રદેશ ભાજપના આગેવાન રમેશ કોદાવલા, યુવા આગેવાન અંકિત કોદાવલા, તાલુકા ભાજપના મહામંત્રી કમલેશ કોદાવલા, ઉપપ્રમુખ ભીમશીભાઈ રામ, કાલિમ્ભડાના પૂર્વ સરપંચ અને દલિત સમાજના આગેવાન પ્રમજીભાઇ, વાંદરવડના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન રામભાઈ બાબરિયા, સરકડિયાના પૂર્વ સરપંચ ઉમેશ પટેલ, લાડુડીના પૂર્વ સરપંચ ભાયાભાઈ કોળી, દેવગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ પોલા, લાડુડીના પૂર્વ સરપંચ અંજાભાઈ ભગાભાઈ સહિત 450 થી વધારે ભાજપના કાર્યકર્તાઓનું સ્વાગત ગોપાલ ઈટાલિયાએ કર્યું. માણાવદરના રાજકારણમાં નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે. કારણ કે હજી એક મહિના પહેલા જ માણવાવદરમાં જવાહર ચાવડાના ટેકેદાર જીવાભાઈ મારડિયા આપમાં જોડાયા હતા. ત્યારે હવે અન્ય ટેકેદારો સાથેનો આખો સંઘ ગોપાલ ઈટાલિયા સાથે ગયો છે. ત્યારે હવે ભવિષ્યમા જવાહર ચાવડા ક્યારે આપના થાય તે જોવુ રહ્યું.