રાજકોટ-શાપરમાં કાલે ગોપાલ ઈટાલિયાની જાહેરસભા, નિશાન કોર્પોરેશન
પાટીદારના ગઢમાં જ વિસાવદરવાળી કરવાના ‘આપ’ના ઓરતા, કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ઈટાલિયા રાજકોમાં જ ધૂણી ધખાવશે
સૌરાષ્ટ્રભરમાં વિસાવદર વાળી કરવાના ઓરતા સાથે આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે અને સૌરાષ્ટ્રભરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાના પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આવતી કાલે રાજકોટમાં અને શાપર વેરાવળ ખાતે ગોપાલ ઈટાલીયાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ તૈયારીઓ આમ આદમી પાર્ટી દ્વારા ત્યારથી આરંભી દેવામાં આવી છે. રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીની જવાબદારી પણ ગોપાલ ઈટાલીયાના ખંભે આપ લડશે.
આ અંગે ગુજરાત મિરરની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે જે અંતર્ગત પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાંથી 182 જેટલા ફોર્મ ભરાઈને આવી ગયા છે. જેમાંથી કોર્પોરેશનની ચૂંટણી માટે જ 106 ફોર્મ ઉમેદવારોએ ભરી દાવેદારી નોંધાવી છે. આગામી દિવસોમાં આ ફોર્મની સંખ્યા પણ વધશે અને તેની સાથે પાર્ટી દ્વારા ભરાયેલા ફોર્મની સમીક્ષાઓ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રજાના યોગ્ય પ્રતિનિધિને નેતૃત્વ સોંપવામાં આવશે.
વધુમાં હોદેદારોએ જણાવ્યું હતું કે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ ગણવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ કોર્પોરેશન પર કોઈ એક જ પાર્ટીનો દબદબો હોય જે માટે હાલ ગોપાલ ઈટાલીયાએ સ્વૈચ્છીક રીતે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની જવાબદારી સ્વિકારી છે અને સંપૂર્ણ કામગીરી પોતાના હસ્તક રાખી છે. આ કોર્પોરેશન ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવશે જેની તૈયારી ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા સહિતના તમામ કાર્યકર્તાઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
આવતીકાલે ગોપાલ ઈટાલીયા જાહેર સભાની સાથોસાથ જિલ્લા પંચાયત, નગરપાલિકા, પાલિકા, તાલુકા પંચાયત સહિતના ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોના ફોર્મની ચકાસણી પણ કરવામાં આવશે અને અત્યાર સુધીમાં થયેલી કામગીરીની સમીક્ષા પણ કરાશે. આવતીકાલે સાંજે પાંચ કલાકે શાપર વેરાવળ અને રાત્રે 8 વાગ્યે રાજકોટમાં પેડક રોડ પર પાણીના ટાંકા પાસે સામાકાંઠે ગોપાલ ઈટાલીયા દ્વારા જાહેરસભા કરવામાં આવશે. આ જાહેર સભામાં અંદાજે 2000થી વધુ લોકો હાજરી આપશે. તેમજ આગામી દિવસોમાં પણ ગોપાલ ઈટાલીયાની જાહેરાસભાનુ ઝોન વાઈઝ આયોજન કરવામાં આવશે અને તેની જવાબદારી કાર્યકર્તાઓને અત્યારથી જ આપી દેવામાં આવી છે.
7 સપ્ટેમ્બરે ચોટીલામાં ખેડૂત મહાપંચાયત સંમેલન
સૌરાષ્ટ્ર ખેતી પ્રધાન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને ઝાલાવાડ પંથકમાં સૌથી વધુ કપાસની ખેતી કરવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં ખેડૂતોને પોતાની જણસીના યોગ્ય ભાવ નહીં મળતાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જે અંતર્ગત આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલના અધ્યક્ષસ્થાને ચોટીલાના માર્કેટીંગ યાર્ડ ખાતે તા.7 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ખેડૂત મહાપંચાયત યોજવામાં આવશે જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવાનમાન પણ હાજરી આપશે.