ગોપાલ ઇટાલિયાની C.M. સાથે પ્રથમ મુલાકાત, વિસાવદરના પ્રશ્ર્નોની રજૂઆત
ઇકો ઝોન રદ કરવા, પાકવીમો, ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, માલધારીઓને વાડા, સોલાર-વિન્ડફાર્મ પર વેરા બાબતે વિસ્તૃત ચર્ચા કરી
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રથમવાર મુલાકાત કરી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિસાવદર વિધાનસભાના પાંચ મહત્વના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને સીધી રજૂઆત કરવાનો હતો. ઇટાલિયાએ ઇકો-ઝોન રદ કરવા, પાક વીમા સહાયની ચુકવણી, ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, સોલર અને વિન્ડ ફાર્મ પર મિલકત વેરા અને માલધારીઓને ઢોર બાંધવા માટે જગ્યા ફાળવવા જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિસાવદરના પાંચ મુખ્ય પ્રશ્નો અંગે રજૂઆત કરી. જેમાં 196 ગામોમાં ઇકો-ઝોન રદ કરવાની, પાક વીમા સહાયનો અમલ કરવાની, ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ 40% પ્લોટ લેવાની નીતિને ગેરવ્યાજબી ગણાવી યોગ્ય અમલ કરવાની, સોલર અને વિન્ડ ફાર્મ પર મિલકત વેરો લાદીને રૂા.8,000 કરોડની આવક ઊભી કરવા અને માલધારીઓને ઢોર બાંધવા માટે જગ્યા ફાળવવાની માંગણીઓ સામેલ છે. ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે મુખ્યમંત્રીએ આ મુદ્દાઓ પર વિચારણા કરવાનું આશ્વાસન આપ્યું છે.
ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને વિસાવદરના 196 ગામોમાં લાગુ થયેલા ઇકો-ઝોનને રદ કરવાની રજૂઆત કરી. તેમણે આસામ સરકારનું ઉદાહરણ આપતા જણાવ્યું કે જે રીતે ત્યાં ઇકો-ઝોન રદ કરવામાં આવ્યો હતો, તે જ રીતે ગુજરાત સરકારે પણ આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. ઇકો-ઝોનને કારણે ખેતી અને વિકાસના કામોમાં અવરોધ ઊભા થાય છે, જેનાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડે છે.
ઇટાલિયાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીની સરકાર દ્વારા પાક વીમા સહાય અંગે લેવાયેલા નિર્ણયનો અમલ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે તે સમયે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી, તેનો વર્તમાન સરકારે અમલ કરીને ખેડૂતોને પાક વીમા સહાય ચૂકવવી જોઈએ.જૂનાગઢ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ પોતાના કેટલાક ગામોનો ઉલ્લેખ કરતા ઇટાલિયાએ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ સરકાર દ્વારા જમીન માલિક પાસેથી 40% પ્લોટ લઈ લેવાની નીતિને ગેરવાજબી ગણાવી. તેમણે કહ્યું કે ટાઉન પ્લાનિંગ એક્ટનો દૂરુપયોગ થઈ રહ્યો છે અને આ સ્કીમનો યોગ્ય રીતે અમલ થવો જોઈએ.
ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી કે હાલમાં સોલર ફાર્મ અને વિન્ડ ફાર્મ પર કોઈ પણ પ્રકારનો મિલકત વેરો લેવામાં આવતો નથી. તેમણે સુપ્રીમ કોર્ટની દલીલોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જમીન અને મકાન સિવાયના સ્ટ્રક્ચર પર મિલકત વેરો ન લઈ શકાય તેવી દલીલો હતી. જોકે, તેમણે માંગ કરી કે આ બંને ઉદ્યોગો પર ટેક્સ લાદવામાં આવે, જેનાથી રાજ્ય સરકારને રૂા.8,000 કરોડની આવક થઈ શકે છે.અંતમાં, ઇટાલિયાએ માલધારી પરિવારો માટે વાડા ફાળવવાની રજૂઆત કરી. તેમણે સરકારને વિનંતી કરી કે માલધારીઓને તેમના ઢોર બાંધવા માટે ભાડાપટ્ટાથી જગ્યા ફાળવવામાં આવે, જેથી તેઓ પોતાનો વ્યવસાય સરળતાથી ચલાવી શકે.
વિવાદ ભૂલી એકબીજાને મળ્યા અમૃતિયા-ઇટાલિયા
ગુજરાતના રાજકારણમાં એક એવી તસવીર સામે આવી છે જેનું કેન્દ્ર બન્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા. બન્ને નેતાઓ વચ્ચે વિસાવદર પેટા ચૂંટણી બાદ ચેલેન્જ વોર શરૂૂ થઇ હતી. હવે એક તસવીર સામે આવી છે જેમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજાને હળવા મૂડમાં મળી રહ્યાં છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા મુખ્યમંત્રીની ઓફિસની બહાર નીકળતા સમયે ગોપાલ ઇટાલિયાને મળ્યા હતા. મોરબીમાં આપના એક કાર્યક્રમમાં થપ્પડકાંડને લઇને કાંતિ અમૃતિયાએ કહ્યું કે, મોરબીના નાગરિકે રજૂઆત કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ નાગરિકને થપ્પડ મારી હતી. આવું અસભ્ય વર્તન આપના કાર્યકર્તાના કરે એના માટે ગોપાલભાઇએ વાત કરી છે. મારા જાહેર જીવનમાં 30 વર્ષ થયા મને અનેક રજૂઆત કરવા મોરબીના નાગરિક આવે છે પણ કોઇપણ નાગરિક સાથે અસભ્ય વર્તન કર્યું નથી. તમારો હિસાબ મોરબીની જનતા જરૂૂર ચુકવશે. મોરબીને ખોટી રીતે બદનામ કરવાનું રહેવા દેજો.