શનિવારે ગોપાલ ઇટાલિયા મેગા રોડ શો બાદ કેજરીવાલ-ભગવંતમાનની હાજરીમાં ભરશે ફોર્મ
દિલ્હીમાં પૂર્વ સીએમ. આતિશી, પ્રભારી ગોપાલ રાય સહિતના નેતાઓ રહેશે હાજર
વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગામી 31 મેના રોજ ઉમેદવારીપત્ર ભરશે. ફોર્મ ભરતા પહેલા મેગા રોડ શો યોજવામાં આવશે. આ તકે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી સહિતના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે.
આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આગામી 31 મે શનિવારના રોજ મારું ઉમેદવારી પત્ર હું ભરીશ. સવારે 9:00 વાગે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકોને સાથે વિશાળ રોડ શો કરીને અમે ફોર્મ ભરવા જઈશું.મારા માટે એક ખુશીની વાત છે કે મારા જેવા સામાન્ય ઘરમાંથી આવતા વ્યક્તિને ટેકો આપવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ રોડ શોમાં પધારી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, પંજાબના મુખ્યમંત્રી સરદાર ભગવંત માન , દિલ્હી સરકારના પૂર્વ ઈખ આતિશી, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય ઉમેશ મકવાણા ધારાસભ્ય સુધીર વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી સાગર રબારી, કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા સહિત અનેક નેતાઓ મારા જેવા સામાન્ય વ્યક્તિને સપોર્ટ આપવા માટે 31 મેના રોજ વિસાવદર પધારી રહ્યા છે.