ગોપાલ ઈટાલિયાની ગુજરાત પોલીસ વડા સહિત ચાર સામે ફરિયાદ
રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવાને મળવા જતા અટકાવવાનો મામલો ગરમાયો
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાત પોલીસ પર ગેરકાયદેસર રીતે અટકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ ઘટના અંગે ગુજરાત પોલીસ વડા સહિત ચાર જગ્યાએ લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ઘટના રાજપીપળા જિલ્લા અદાલતની બહાર બની હતી, જ્યાં પોલીસે ઇટાલિયાને તેમના અસીલ ચૈતર વસાવાને મળવા જતા અટકાવ્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, રાજપીપળા જિલ્લા અદાલતની બહાર નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે અને ગેરબંધારણીય રીતે સત્તાનો દુરુપયોગ કરીને તેઓને અદાલતની અંદર જતા રોકવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે એક એડવોકેટ તરીકે તેઓને અદાલતની અંદર જવાનો અધિકાર છે અને પોતાના અસીલ વતી કોર્ટમાં હાજર રહેવાનો અને દલીલ કરવાનો પણ અધિકાર છે.
ઇટાલિયાએ કહ્યું કે પોલીસ ગમે તેવો ગંભીર પ્રશ્ન હોય તો પણ તેઓને કોર્ટમાં જતા રોકી શકે નહીં, તેમ છતાં પોલીસે પોતાની સત્તાની ઉપરવટ જઈને ગેરકાયદેસરનું કાર્ય કર્યું છે.
ગોપાલ ઇટાલિયાએ એડવોકેટ તરીકે તેમને અદાલતમાં પ્રવેશવા ન દેવા બાબતે અલગ અલગ ચાર ઓથોરિટીને લેખિત ફરિયાદ આપી છે, જેમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન, ગુજરાત રાજ્યના પોલીસ વડા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. તેઓએ સોશિયલ મીડિયા પર એમ પણ જણાવ્યું કે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પ્રવૃત્તિ વિશે તેઓ વિધાનસભામાં પણ રજૂઆત કરશે.