ગોંડલના કમઢિયા ગામે છત પર સૂતેલા યુવાનની ગળેટૂંપો દઈ હત્યા : પત્ની પર શંકા
ગોંડલ તાલુકાના કમઢિયા ગામે અગાશી પર સુતેલા યુવાનને ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ બનાવને હાર્ટએટેકમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવાનના પિતાને શંકા જતા રાજકોટ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જેમાં યુવાનનું ગળેટુપો દઈ હત્યા કરાઈ હોવાનું બહાર આવતા અંતે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ બનાવમાં મરનાર યુવાનની પત્નિ પર જ શંકા દર્શાવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. ગોંડલના કમઢિયા ગામે રહેતા એન ખેતીકામ કરતા મુકેશભાઈ ડાયાભાઈ પરમાર નામના યુવાનની ગત તા. 26-5-23ના વહેલી સવારે તેના ઘરે અગાશી પરથી લાશ મળી આવી હતી. આ બનાવ અંગે યુવાની પત્નિએ હાર્ટએટેક આવ્યો હોવાનું યુવાનના પરિવારજનો કહ્યું હતું પરંતુ યુવાનના પિતા ડાયાભાઈ બેચરભાઈ પરમાર ઉ.વ.70ને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. યુવાનની લાશને પોર્સ્ટમોર્ટમ અર્થે રાજકોટની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો જેમાં યુવાનને ગળેટુપો દઈ હત્યા કરી હોવાનું જણાવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ગોંડલ તાલુકા પોલીસે ડાયાભાઈ બેચરભાઈ પરમારની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોધ્યો છે. જેમાં શકદાર તરીકે મરનાર મુકેશભાઈ પરમારની પત્ની કંચનબેનનું જ નામ આપવામાં આવ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા. 25ના રોજ સાંજે ફરિયાદી ગામના પાદરે બેઠા હતા ત્યારે પુત્ર મુકેશ બાઈક લઈ ત્યાંથી નિકળ્યો હતો અને પિતાને સવારે હું બહારગામ જાવ છું તમે ખાતર લઈ લેજો તેમ કહી નિકળી ગયો હતો ત્યાર બાદ રાત્રીના ત્રણ વાગ્યે મુકેશભાઈની પત્નિનો ફરિયાદી પર ફોન આવ્યો હતો અને તમારા દિકરાને કઈક થઈ ગયું છે તમે જલ્દી ઘરે આવો તેમ કહી રોવા લાગ્યા હતાં. પુત્રવધુનો ફોન આવતા રાત્રીના ત્રણ વાગ્યે ફરિયાદી પુત્રના ઘરે પહોંચ્યા ત્યારે પુત્રવધુએ તમારા દિકરા છત ઉપર સુતા હતા ત્યારે તેમને હાર્ટએટેક આવ્યો છે. તેમ કહ્યું હતું ફરિયાદીએ મકાનની છત ઉપર ગયા ત્યારે પુત્ર ખાટલામાં સુતો હતો એન તેના ગળામાં ચુંદડી વીટાયેલી હતી જ્યારે મોઢાના ભાગે અને ગળાના ભાગે ઉજરડાના નિશાન હોય બનાવ હાર્ટએટેકનો નહીં પરંતુ હત્યાો હોવાની શંકા જતા પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી બનાવનું કારણ જાણવા મૃતક યુવાનની પત્ની કંચનબેનની અટકાયત કરી સઘન પુછપરછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મરનાર યુવાન ત્રણ ભાઈ એક બહેનમાં ત્રીજા નંબરનું હોવાનું અને તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી હોવાનું જાણવા મળ્યું છે. ગોંડલ તાલુકાના પીએસઆઈ જે.એમ. ઝાલા ચલાવી રહ્યા છે.