જળાશયોમાં ડૂબેલા 1000થી વધારે મૃતદેહો બહાર કાઢનાર ગોંડલ ફાયરના કર્મચારી નિવૃત્ત
સરકાર તરફથી ગરીમા એવોર્ડ નહીં મળ્યો હોવાનો અફસોસ વ્યકત કરતા કિશોરભાઇ ગોહિલ
સમાજમાં મોતી શોધવા માટે ડુબકીઓ મારનારા ઘણા લોકો જોવા મળે છે પરંતુ કોઈના હૈયા ફાટ રૂૂદન સાથેના આંસુઓ જોઈને મોત ની ડુબકીઓ મારનારા વ્યક્તિઓ ભાગ્યે જ જોવા મળતા હોય છે! તાજેતરમાં ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગમાં નોકરી કરતા કિશોરભાઈ ગોહિલનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. આ નિવૃત્તિ સમારંભમાં અનેક રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે નિવૃત્તિ બાદ પણ જ્યાં જરૂૂર પડે ત્યાં હર હમેશ માનવતાના મંત્રને સાર્થક કરવા તત્પર રહીશ તેવો કોલ પણ આપ્યો હતો.
ગોંડલના ફાયર વિભાગમાં નોકરી કરતા કિશોરભાઈ મંગાભાઈ ગોહિલની વાત કરવામાં આવે તો જેમણે સૌરાષ્ટ્રના અનેક ડેમોમાં ઊંડા પાણીમાં ડૂબેલા 1000 થી પણ વધુ મૃતદેહો શોધી આપીને સ્વજનોને અંતિમક્રિયાના હક્કો આપવામાં મદદ રૂૂપ થયા છે. અકસ્માતે કે જાણી જોઈને પાણીમાં ડૂબી જવાના કિસ્સાઓમાં નોંધ પાત્ર વધારો થઈ રહ્યો છે સમાજમાં વારંવાર બનતા આવા કિસ્સાઓમાં ઘણીવખત મૃતકોના મૃતદેહો શોધવા મુસીબત ભર્યા હોય છે. આવા સમયે એકબાજુ પાણીમાં ગરક થાયેલાઓના સ્વજનોમાં થતું હૈયાફાટ રૂૂદન અને આક્રંદ વચ્ચે મૃતદેહ મળે કે નહીં? તેમને બહાર કેમ કાઢીશું? આપના હાથે તેમની અંતિમક્રિયા થશે કે નહીં? સહિતના અનેક સવાલો સ્વજનોમાં ઉદ્દભવે છે. આવા સમયે પલભરનો વિલંબ કર્યા વગર છેલ્લા 40 વર્ષથી નિસ્વાર્થ ભાવે મૃતદેહો પાણી માંથી બહાર કાઢીને તેમના સ્વજનોને અંતિમક્રિયા માટેના હક્કો અપાવ્યા છે.
ફાયરમાં 40 વર્ષ સુધી ફરજ પર રહી અનેક કાર્યો તેમને કરેલા હોવાથી તઓની નિવૃત્તિ વેળાએ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ અને નગરપાલિકા સદસ્યો તેમજ ફાયર સ્ટાફ દ્વારા તેમનું ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરી નિવૃત્તિ વિદાય આપી હતી.
ગોંડલ ફાયર વિભાગમાં 40 વર્ષની નોકરી દરમ્યાન અનેક સામાજિક સંસ્થાઓ તેમજ ગુજરાત સરકારના મિનિસ્ટરો દ્વારા બન્ને મળીને 100 થી વધુ વખત સન્માનિત કરવામાં આવ્યા હોવાનું કિશોરભાઈએ જણાવીને મારી 40 વર્ષની ફરજ દરમ્યાન અનેક સન્માનો મળ્યા હોવાનો ગૌરવભેર જણાવ્યું હતું પરંતુ આ સાથે ગુજરાત સરકાર દ્વારા ગરિમા એવોર્ડ ન મળ્યો હોવાનો વસવસો પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે નિવૃત્તિ બાદ પણ કોઈપણ જગ્યાએ કે ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે મારી જરૂૂર પડશે ત્યાં માનવ સેવાનું કાર્ય ચાલુ રાખવાનું જણાવ્યું હતું. પોતાના કરેલા અનેક માનવ જીંદગીના કાર્યોની એક ફાઇલ પણ બનાવી સ્થાનિક તંત્ર તેમજ ગુજરાત સરકાર પાસે ગરિમા એવોર્ડ મળે તેવું ઈચ્છી રહ્યા છે.