ગોકુલ પાર્કના યુવાને પથરીના દુખાવાથી કંટાળી કર્યો આપઘાત
શહેરમાં માંડા ડુંગર પાસે આવેલા ગોકુલ પાર્કમાં રહેતા શ્રમિક યુવાને પથરીના દુખાવાથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગર પાસે આવેલ ગોકુલ પાર્કમાં રહેતા સતિષ રાજમોહનભાઈ પટેલ નામનો 23 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. સતીશ પટેલ બે ભાઈ ત્રણ બહેનમાં નાનો અને અપરિણીત હતો. સતીશ પટેલે પથરીના દુખાવાથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.