એકલા ચલો રે...જાતે કાર ચલાવી ભારત ભૂમિનું ભ્રમણ કરતી કાર ગર્લ
છેલ્લા 3 વર્ષમાં ટિવંકલ રાવલે કાર લઈને સમગ્ર ગુજરાત,મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મસૂરી, મનાલી, દહેરાદૂન સહિત 55,000થી વધુ કિ.મી.નો પ્રવાસ કર્યો છે
ટિવંકલ રાવલને ભારતના કોઈપણ સ્થળે ક્યારેય કોઈ કડવો અનુભવ થયો નથી. મોટાભાગે લોકો સપોર્ટ સાથે માન-સન્માન આપતા એટલું જ નહીં મહેમાનગતિ પણ કરે છે
‘નાનપણમાં જ્યારે મોટો ભાઈ મને તેની સાથે ક્રિકેટ રમવા ન લઈ જાય ત્યારે પિતાજી સાથે લઈ જઈ અને છોકરાઓની અલગ ટીમ બનાવીને મને ક્રિકેટ રમવા પ્રોત્સાહન આપતા.જે સમયે દીકરીઓ સાઇકલ લઈને સ્કૂલ,કોલેજમાં જતી એ સમયે પપ્પા મને બાઈક લઈને જવા દેતા.બાઈક હોય, ક્રિકેટ હોય કે કૂકિંગ દરેક વસ્તુ તેમણે શીખવી છે.પિતાજીએ ક્યારેય ભાઈ-બહેન વચ્ચે ઉછેરમાં ભેદભાવ નહોતો કર્યો તેમનું માનવું હતું કે સંતાનને દીકરા કે દીકરી ગણીને નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે ઉછેર કરશો તો તેના વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ થશે.
પિતાજીના આ વલણના કારણે જ મારામાં આત્મવિશ્વાસ,નીડરતા અને હિંમતના ગુણો વિકસ્યા છે’.આ શબ્દો છે રાજકોટની દીકરી ટિવંકલ રાવલના જેણે સેલ્ફ ડ્રાઇવ કરીને ભારત ભ્રમણ કર્યું છે અને ભારતના જુદા-જુદા રાજ્યોની સંસ્કૃતિને જાણી, માણી અને વખાણી છે.ગાડી લઈને ક્યારેક માતા સાથે અને ક્યારેક એકલા નીકળી જતા ટિવંકલે ઉમાશંકર જોશીના કાવ્ય ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ની એક એક પંક્તિ જાણે આત્મસાત કરી છે.
રાજકોટમાં જન્મ,અભ્યાસ અને ઉછેર થયો.માતા ભારતીબેન ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર હતા અને પિતા બલવંતભાઈ રાવલ રાજકોટમાં લોધાવાડ ચોકમાં ઓમ સ્કૂટર નામે બિઝનેસ કરતા અને બાલુભાઈના નામથી જાણીતા હતા. ટિવંકલબેનને મીડિયા ફિલ્ડમાં પહેલેથી જ રસ હતો તેથી વોઇસ ઓવર, વેબસાઈટ માટે નાના મોટા કામ કર્યા. ત્યારબાદ જર્નાલિઝમનો કોર્સ કરી હૈદરાબાદમાં ન્યૂઝ એપ્લિકેશનમાં કામ કર્યું.મનગમતું કામ અને દામ મળતા જીવન સરસ રીતે ચાલતું હતું, પરંતુ વિધિના લેખને ક્યાં કોઈ જાણી શક્યું છે? કોરોનાનો કપરા સમયે પિતાની છત્રછાંયા છીનવી લીધી. જે પિતાએ સમાજની પરવા કર્યા વિના દરેક કામમાં સપોર્ટ કર્યો હતો એ પિતાની વિદાયના કારણે જીવન બદલાઈ ગયું.
માતાની જવાબદારી આવી.આ સમય યાદ કરતા તેઓ જણાવે છે કે પિતાજીની વિદાય બાદ પ્રથમ વખત માતા સાથે સોમનાથ સુધી જાતે કાર ચલાવીને ગઈ.પછી વિચાર્યું કે પપ્પા નથી તો કોઈ ઉપર ક્યાં સુધી ડીપેન્ડ રહેવું? આમ સેલ્ફ ડ્રાઇવ કરીને એકલ પ્રવાસ શરૂૂ થયો.શરૂૂઆતમાં મમ્મીને ચિંતા થતી એટલે પોતે પણ પ્રવાસમાં જોડાતા.છેલ્લા 3 વર્ષમાં કાર લઈને સમગ્ર ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મસૂરી, મનાલી, દહેરાદુન સહિત 55,000થી વધુ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે.એક વખત સાડા ત્રણ હજાર કી.મી. નો પ્રવાસ કરી ત્રણ જ્યોતિર્લિંગના દર્શન કર્યા તે યાદગાર પ્રવાસ હતો. કાર લઈને ફરવાના શોખના કારણે મિત્રો અને પરિવારજનોએ કાર ગર્લનું બિરૂદ આપ્યું છે.
નાનપણમાં પિતાજી સાથે દર વર્ષે એક રોડ ટ્રીપ કરનાર ટિવંકલ કહે છે કે નાનપણના પપ્પા સાથે રોડ ટ્રીપના અનુભવના કારણે રોડ ટ્રીપનો આનંદ, તેમાં ધ્યાન રાખવાની બાબતો, પડતી મુશ્કેલીઓ બધી બાબતનો ખ્યાલ હતો.ટ્રીપ પર જવાનો વિચાર આવે એટલે કલાકમાં નીકળી જવાનું.
બહુ તૈયારી કરતી નથી.જેવી પરિસ્થિતિ ઉભી થાય તે પ્રમાણે રહેવામાં આનંદ આવે છે.ટુરિસ્ટ અને ટ્રાવેલર્સ બંનેમાં ફેર છે. ટુરિસ્ટ લોકો બધું પ્લાન સાથે કરે છે, ચોક્કસ જગ્યાએ ફરે છે પરંતુ ટ્રાવેલર હોય તે લોકલ જગ્યાએ ફરે છે, માણસોને મળે છે અને આ જ રીતે મને જુદા જુદા સ્થળોએ ફરવા થી લોકલ લોકોનો નિ:સ્વાર્થ પ્રેમ મળ્યો છે.સોશિયલ મીડિયાના કારણે ઘર ઘરમાં જાણીતા બનેલ ટિવંકલ રાવલનું સ્વપ્ન કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીનો પ્રવાસ કાર લઈને કરવાનો છે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
એક દિવસમાં ગાડી ચલાવી કરે છે 700 કિ.મી.નો પ્રવાસ
ટિવંકલ જણાવે છે કે મારી કોઈપણ ટ્રીપ ફિક્સ નથી હોતી. જવાનું મન થાય એટલે કલાકમાં નીકળી જાઉં છું,પણ હા ગાડી લઈને નીકળું ત્યારે ગાડી ચેક કરાવી લઉં છું જેથી રસ્તામાં તકલીફ ન થાય. નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઈવે પસંદ કરું છું જેથી રસ્તામાં આવતા નાના ગામોમાં પણ ફરી શકાય,ત્યાંના લોકોની સંસ્કૃતિ,ખોરાક,પોષાક, રીત-રિવાજો બધું જાણી શકાય.હોટેલ બિઝનેસના કારણે કાર લઈને અનેક વખત રાજકોટથી મનાલી ગઈ છું. આજે કોઈપણ સ્ટેટમાં જાઉં છું હોટેલમાં રહેવાના બદલે જાણીતા લોકો આગ્રહ કરીને ઘરે લઈ જાય છે.સેલિબ્રિટીની જેમ ટ્રીટ કરે છે,સેલ્ફી લે છે.ક્યારેય કોઈ કડવો અનુભવ થયો નથી. મોટાભાગે લોકો સહકાર આપતા, માન-સન્માન આપતા એટલું જ નહીં મહેમાનગતિ પણ કરતા.એક વખત આર્મીના મેનેજરે રીટાયર આર્મી ઓફિસર સાથે ગોઠવેલ વેલકમ પાર્ટી યાદગાર છે.
Wrriten By: Bhavna Doshi