સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા કાચ તૂટ્યા
શિક્ષણ બચાવ આંદોલનનો પ્રારંભ, વિરોધ પ્રદર્શન કરી બિલ્ડિંગમાં પ્રવેશતા અટકાવતા ઝપાઝપીમાં તોડફોડ, કુલપતિને આવેદન પાઠવ્યું
ગુજરાતમાં શિક્ષણનો બેફામ વેપાર થઇ રહ્યો છે અને ભ્રષ્ટાચારે મો ફાડયુ છે. તેની સામે કોંગ્રેસ મેદાનમાં આવી છે. ગુજરાત શિક્ષણ બચાવો આંદોલનનો પ્રારંભ આજથી કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઉગ્ર વાતાવરણ થતા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડીંગના ગેટના કાચ તુટી ગયા હતા.
ગુજરાતના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ કોંગ્રેસ દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે. રાજ્યમાં આવેલી ખાનગી યુનિવર્સિટીઓ કે જે ભૂતિયા યુનિવર્સિટીઓ છે. જ્યાં એડમિશન લો અને ડિગ્રી લઈ જાઓ તે પ્રકારની પ્રક્રિયા ચાલે છે અને તેનાથી સરકારી યુનિવર્સિટીઓને ખતમ કરવાનું કામ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 10 કરોડનો હોલ 10 વર્ષે પણ તૈયાર થતો નથી. દાતાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જમીન મળેલી છે પરંતુ તેની આજુબાજુ અસામાજિક તત્વોનું દબાણ જોવા મળે છે. કેમ્પસની આજુબાજુ ડ્રગ્સ જેવા દૂષણોનો કાળો કારોબાર ચાલે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને ડિગ્રીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત કાયમી ભરતીના બદલે કોન્ટ્રાક આધારિત ભરતી કરવામાં આવે છે જેને વિષયનું કોઈ જ યાદ હોતું નથી જેને કારણે પરીક્ષાના પરિણામ મોડા જાહેર થાય છે અને અનેક છબરડાઓ સામે આવે છે.
આ ઉપરાંત ગુજરાત કે કોમન એડમિશન સર્વિસ પોર્ટલ માત્ર સરકારી યુનિવર્સિટીઓ માટે જ ફરજિયાત બનાવવામાં આવ્યું છે જ્યારે ખાનગી યુનિવર્સિટીઓને તેમાંથી બાકાત રાખવામાં આવી છે જે બતાવે છે કે સરકાર પ્રાઇવેટ યુનિવર્સિટીઓને જ સપોર્ટ કરે છે. આ ઉપરાંત અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની સીટ 400માંથી ઘટીને 100 થઈ ગઈ છે જેનું કારણ એ છે કે અહીં જે જગ્યાએ કોલેજમાં પીજી સેન્ટર ચાલતું ન હોય તેવી કોલેજના અધ્યાપકોને ગાઈડશિપ ન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને કારણે અને વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરવાથી વંચિત રહી ગયા છે અને ખાનગી યુનિવર્સિટીઓમાં ઊંચા ખર્ચે પીએચ.ડી. કરવું પડે છે.
કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે આવેદન આપવામાં આવ્યો હતો જેમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ રદ કરવા ઉપરાંત પીએચડીની સીટો ઘટવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન કોંગ્રેસના અમુક નેતાઓ દ્વારા બળજબરીથી યુનિવર્સિટીના બિલ્ડીંગમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન કાચ તૂટ્યો હતો. જેમાં સરકારી સંપત્તિને નુકસાન પહોંચવા બાબતે પોલીસ કેસ કરવો કે કેમ તે બાબતે હવે વિચાર કરવામાં આવશે.