For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુવક મહોત્સવમાં મરશિયાને પણ સ્થાન આપો : રૂપાલા

05:08 PM Oct 13, 2025 IST | Bhumika
યુવક મહોત્સવમાં મરશિયાને પણ સ્થાન આપો    રૂપાલા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 53મા યુથ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ : 88 કોલેજના 1854 સ્પર્ધકો 33 સ્પર્ધામાં કૌવત દાખવશે : પરંપરા, સંસ્કૃતિને જાળવી રાખવા આગેવાનોની ટકોર

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 53 મા યુવક મહોત્સવ ‘સિંદૂરોત્સવ’નું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદહસ્તે દીપપ્રાગટય કરી, લોકસભાના સાંસદ પરષોતમભાઈ રુપાલા તથા કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીની ઉપસ્થિતિમાં રંગારંગ ઉદઘાટન કરવામાં આવેલ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 53 મા યુવક મહોત્સવમાં રાજકોટ લોકસભાના સાંસદ પરષોતમભાઈ રુપાલા ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, યુવક મહોત્સવનું આયોજન એ યુવાનોમાં રહેલી શકિતઓને બહાર લાવવાનું પ્લેટફોર્મ છે. સૌરાષ્ટ્રના લોકનૃત્ય, બોલીઓ, સાહિત્યકારો, બાંધણી, રીવાજો, પધ્ધતિઓ જાણીતી છે. આપણી ભાતીગળ પરંપરા અને સંસ્કૃતિને જાળવવાનું કામ આજના યુવાનો આવા યુવક મહોત્સવમાં ભાગ લઈ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું. તેમજ મરશિયાને પણ આમા સામેલ કરવા જોઈએ આ પણ આપણી પરંપરાનો ભાગ છે. કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ 53 મો યુવક મહોત્સવ છે. યુવક મહોત્સવ એ યુવાનોમાં રહેલી કલાને ઓળખવાનો મંચ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુવાનોને યુવક મહોત્સવ થકી પ્લેટફોર્મ પુરું પાડ્યું છે જે સરાહનીય છે. આજના યુવાનોમાં અપાર શક્તિઓ રહેલી છે.

Advertisement

આપણી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવા માટે યુવક મહોત્સવ જેવા આયોજનો થવા ખુબ જરુરી છે. આજની યુવા પેઢી શિક્ષણ અને સંશોધનની સાથે સાથે આપણી સંસ્કૃતિ, આપણું સાહિત્ય, આપણું ગૌરવને જાણે અને વધારે એ જરુરી છે. 53 મા યુવક મહોત્સવના ઉદઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી જણાવ્યું હતું કે, યુવક મહોત્સવ એ યુવાનોની શકિતઓને ખીલવવાનો અવસર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં યુવક મહોત્સવમાં ભાગ લેવા અનેરો ઉત્સાહ અને થનગનાટ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હરહંમેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં પર્વત, દરીયો, સમૃદ્ર જીવસૃષ્ટિ, ખેતી અને જાણીતા ધાર્મિક યાત્રાધામો આવેલા છે. આ યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવના સંદર્ભમાં વિદ્યાર્થીઓ માટે આનુસંગિક સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં 1854 જેટલાં વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કલા રજૂ કરવાના છે. કુલપતિએ આ યુવક મહોત્સવમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગમાં કુલ 33 સ્પર્ધાઓ યોજાશે. જેમાં સંલગ્ન 88 કોલેજોના 1854 સ્પર્ધકો પોતાની કલા રજૂ કરશે અને કુલ 99 જેટલાં તજજ્ઞો નિર્ણાયકો તરીકે સેવા આપશે. કાર્યક્રમના પ્રારંભે જાણીતા અષાઢી ગાયક ઉમેદભાઈ ગઢવીએ લોકગીત તથા લોકસંગીત રજૂ કર્યું હતું.

આ કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ડો. ભરતભાઈ ખેરે કર્યું હતું, સ્ટેજ વ્યવસ્થા પ્રોફે. ડો. જે.એમ. ચંદ્રવાડીયાએ સંભાળી હતી અને આભારવિધિ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબાએ કરેલ હતી. આ ઉદઘાટન કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબા, કે.કે. બાવડા, ઉમેશભાઈ માઢક, મૌનિકભાઈ ગઢવી તથા તમામ સમિતીઓના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement