કેદીઓને મર્યાદિત ઇન્ટરનેટ સુવિધા આપો: હાઇકોર્ટ
સરકારને ફુલપ્રૂફ ગાઇડલાઇન બનાવવા જસ્ટિસનું સૂચન
નારાયણસાંઇની લેપટોપ, આઇપેડ અથવા કમ્પ્યુટર અને પ્રિન્ટર વગેરે ચોક્કસ સમય માટે ફાળવવા માટેની અરજીને ફગાવી કાઢતાં હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ એચ.ડી.સુથારે ચુકાદામાં એવું અવલોકન કર્યું છે કે જેલમાં બંધ કેદીઓને એક સરખા રંગે રંગી શકાય નહીં. જેલના કેદીઓ માટે વિવિધ પ્રકારના સુધારાવાદી કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવી રહ્યા છે.
ત્યારે કેદીઓના જ્ઞાનમાં વધારો કરવા અને તેમને સંશોધન માટે મદદરૂૂપ થવા માટે જેલ ઓથોરિટીના સર્વેલન્સ હેઠળ અને મર્યાદિત સ્તરે ઇન્ટરનેટની સુવિધા પુરી પાડવા માટે સરકારે નિષ્ણાંતો સાથે પરામર્શ કર્યા બાદ એક ફૂલપ્રૂફ એસઓપી અથવા તો ગાઇડલાઇન્સ બનાવવી જોઇએ. જો કોઇ કેદી દ્વારા આ સુવિધાનો દુરુપયોગ કરવામાં આવે તો તેને સ્થગિત કરી દેવી જોઇએ. નારાયણસાંઇની અરજી રદ કર્યા બાદ ઉક્ત અવલોકન સાથે જસ્ટિસ સુથારે આદેશની નકલ રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને જેલ આઇજીને ઉક્ત મુદ્દા ધ્યાને લેવા માટે મોકલી આપવાનું કહ્યું છે. જસ્ટિસ સુથારે ચુકાદામાં નોંધ્યું છે કે, પ્રસ્તુત કેસના અરજદાર નારાયણસાંઇની વર્તણૂક જોતાં તેમણે જે સુવિધાઓ માંગી છે, તે માટેના તેઓ હકદાર જણાતા નથી. પરંતુ દરેક કેદીએ એક સમાન રંગે રંગી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ગિઆસુદ્દીનના કેસમાં નોંધ્યું છે કે,થદરેક સજ્જન કે સાધુ વ્યક્તિનો એક ભૂતકાળ હોય છે અને દરેક પાપીનું એક ભવિષ્ય હોય છે.થ મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું કે, ગુનો એક મરી ગયેલા મસ્તિષ્કની દેન છે અને જેલનું વાતાવરણ હોસ્પિટલ જેવું હોવું જોઇએ, જ્યાં કેદીને સારવાર અને કાળજી મળી શકે.
હાઇકોર્ટે વધુમાં નોંધ્યું છે કે, ઉક્ત તથ્યોને ધ્યાનમાં લેતાં અને જેલના કેદીઓના ભવિષ્યના સુધારા માટે આપણે સુધારાવાદી વલણ અપનાવ્યા છે. જેમાં ઓપન-એર પ્રિઝન અને વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ વગેરેની શરૂૂઆત કરી છે. વધારામાં મોડલ જેલ મેન્યુઅલ પણ અપડેટ કરવામાં આવ્યા છે. આવા તબક્કે હવે રાજ્ય સરકાર માટે એ માટેનો હાઇ ટાઇમ છે કે તેઓ એક એવો પ્રોજેક્ટ અમલમાં મૂકે કે જેમાં તેઓ નિષ્ણાંતો સાથે પરામર્શ કર્યા બાદ જેલના કેદીઓને ઇન્ટરનેટની સુવિધા આપવા માટે વિચારે.