દાહોદની દીકરીના હત્યારાને ફાંસીની સજા આપો
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ દાહોદ જિલ્લાના સિંઘવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ તે જ શાળામાં ધોરણ-1માં ભણતી 6 વર્ષની દીકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ હેવાન આચાર્યએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાંખી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખ્યું છે.
ભાજપ સરકાર બેટી પઢાઓની વાતો કરે છે પણ જે રીતની ઘટનાઓ રાજ્યભરમાં બની રહી છે ત્યારે ગુજરાતના વાલીઓને પોતાની બેટી બચાઓની ફરજ પડી રહી છે. દીકરીની હત્યા કરનાર તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ભાજપની વિચારધારા સાથે જોડાયેલ આરએસએસનો પ્રચારક છે. આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ તથા ભાજપ આવા અપરાધી સામે કોઈપણ વિરોધ કેમ દર્શાવતા નથી ? અન્ય રાજ્યોમાં બનતા બળાત્કારના બનાવોમાં ભાજપના નેતાઓ ત્યાંની સરકારોને દોષિત ઠેરવે છે ત્યારે ગુજરાતમાં આવી ઘટનાઓમાં મૌન કેમ છે ? રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં બનેલ ઘટનાઓએ શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે અને વાલીઓને ચિંતામાં મૂકી દીધા છે.
કાળજું કંપાવનારી દાહોદ ખાતે માસુમ દીકરીની હત્યાની ઘટનામાં આરોપીને ફાંસીની સજા કરવાની માંગ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જેમા રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો તથા સ્થાનિક નાગરિકોને સાથે રાખી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, વશરામભાઈ સાગઠીયા, દિપ્તીબેન સોલંકી, જશવંતસિંહ ભટ્ટી, ધરમભાઈ કાંબલીયા, સંજયભાઈ અજુડીયા, નયનાબા જાડેજા, કૃષ્ણદત રાવલ, નાગજીભાઈ વિરાણી, નીદત ભાઈ બારોટ, ગોપાલભાઈ અનડકટ, લાખાભાઈ ઊંઘાડ, ગીરીશભાઈ ઘરસંડીયા, મનીષાબા વાળા, સલીમભાઈ કારિયાણી, અશોકસિહ વાઘેલા, મેઘજીભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના કોંગી આગેવાનો કાર્યકરોએ હાજરી આપી હતી.