ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ,કમોસમી વરસાદના કારણે સાધુ-સંતોનો મોટો નિર્ણય
ગિરનારની લીલી પરિક્રમાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય 'લીલી પરિક્રમા' ને ભારે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ-કીચડથી ભરપૂર બની ગયો છે. આ રૂટ પર પગપાળા ચાલવું અત્યંત જોખમી હોઈ શકે છે જેથી સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
લીલી પરિક્રમાને સ્થગિત કરવા અંગેનો આખરી નિર્ણય વહીવટી તંત્ર અને ગિરનારના સાધુ-સંતો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠક બાદ લેવામાં આવ્યો. સર્વસંમતિથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી વરસાદની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સાધુ-સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં લેવાયો હતો. જોકે, ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ-સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતીકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 1લીના રાત્રિના મુહૂર્તમાં યોજાશે.
