રવિવારથી જય ગિરનારીના નાદથી ગિરનાર ગુંજી ઉઠશે
ખાય ખોંખારો રૂખડ તો ગિરનાર આખો ધણધણે, લાખ ધ્રુજે લખપતિ એક ચીપિયો જો રણઝણે
પ્લાસ્ટિક લઇ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ: 11 હંગામી દવાખાના કાર્યરત કરાશે, 10 જેટલી 108 એમ્બ્યુલન્સ વિવિધ સ્થળોએ તૈનાત કરાશે
આગામી 2 નવેમ્બરથી શરૂૂ થનારી સુપ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ આ 36 કિલોમીટર લાંબી પરિક્રમામાં જોડાવાના હોવાથી તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સુવિધા જળવાઈ રહે તે માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને પરિક્રમા રૂૂટ પર પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પરિક્રમાના તમામ પાસાઓની સમીક્ષા કરીને આયોજનને અંતિમ ઓપ અપાયો હતો. કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે, પરિક્રમામાં પ્લાસ્ટિકની કોઈપણ ચીજવસ્તુ લઈ જઈ શકાશે નહીં અને તેનું ઉલ્લંઘન દંડનીય અપરાધ ગણાશે.
તેમણે યાત્રિકોને આ અભિયાનમાં સહકાર આપવા માટે ખાસ અપીલ કરી હતી. પરિક્રમા પ્રવેશ દ્વાર પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ અંદર ન જાય તે માટે સઘન ચેકિંગ અને યાત્રાળુઓને માર્ગદર્શન આપવામાં આવશે.
પરિક્રમાના સમગ્ર 36 કિલોમીટર લાંબા રૂૂટ પર સુરક્ષા, આરોગ્ય અને સુવિધાઓનું સંકલન જળવાઈ રહે તે માટે તંત્રના મુખ્ય વિભાગો રાઉન્ડ ધ ક્લોક ફરજ પર રહેશે. પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, PGVCL, પાણી પુરવઠા વિભાગ અને હેલ્થ વિભાગના કર્મચારીઓ સતત હાજર રહેશે. કલેક્ટરે જણાવ્યું કે, તમામ સંબંધિત વિભાગો ડ્યુટી લિસ્ટ પોલીસ વિભાગને આપશે અને ઈમરજન્સીમાં ત્વરિત સહાય માટે આ કર્મચારીઓની ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે.
દરેક કામચલાઉ દવાખાના ખાતે 2-સ્ટ્રેચરની વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યાં વધુ ચઢાણ છે, તેવા ઈમરજન્સી વિસ્તારો માટે વધારાના 10 સ્ટ્રેચર રાખવામાં આવ્યા છે.જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ની એમ્બ્યુલન્સ ઝીણાબાવાની મઢી, બોરદેવી, બોરદેવી મંદિર, શ્રવણની કાવડ વિસ્તાર અને ભવનાથ ખાતે સ્ટેન્ડ બાય રહેશે.
માળવેલા સ્થળની એમ્બ્યુલન્સ નજીકના સરકડિયા ખાતે તૈયાર રખાશે.ઇમરજન્સી માટે ઝીણાબાવાની મઢી, શ્રવણની કાવડ અને બોરદેવી ત્રણ રસ્તા ખાતે વધારાની 3 એમ્બ્યુલન્સ તૈયાર રખાશે.
જૂનાગઢ જિલ્લાની બે મોબાઈલ હેલ્થ યુનિટની વાન પણ પરિક્રમા દરમિયાન ઉપલબ્ધ રહેશે.કુલ 10 જેટલી 108 એમ્બ્યુલન્સ (7 રૂૂટ પર અને 3 જૂનાગઢ શહેરમાં) વ્યૂહાત્મક સ્થળો જેમ કે રેલ્વે સ્ટેશન, અશોક શિલાલેખ, ભવનાથ પાર્કિંગ, ભવનાથ પોલીસ સ્ટેશન, કાળવા ચોક અને નાગમંડલ મંદિર ખાતે તૈનાત રહેશે. પરિક્રમામાં કુલ 18 મેડિકલ ઓફિસર, 12 ફાર્માસિસ્ટ, 73 પેરા મેડિકલ સ્ટાફ અને અન્ય 24 કર્મચારીઓ ફરજ બજાવશે.
ટ્રાફિક અને રિક્ષા ભાડા પર નિયંત્રણટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને ભાવિકોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટાફ સિક્યુરિટી બાબતમાં સતત ખડે પગે રહેશે. આ ઉપરાંત, આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા રિક્ષાચાલકો સાથે બેઠક યોજીને યોગ્ય ભાડાં નક્કી કરવામાં આવ્યા છે.
યાત્રિકો પાસેથી નક્કી કરેલા ભાવ કરતાં વધુ પૈસા ન લેવાય તે માટે સમગ્ર રૂૂટ પર ફરિયાદ માટેના નંબર ડિસ્પ્લે કરવામાં આવશે, જેથી કોઈપણ ફરિયાદ મળે તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
પાણી,લાઈટિંગ અને સ્વાસ્થ્યની વિશેષ વ્યવસ્થા
ભાવિકોને પીવાના શુદ્ધ પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પરિક્રમાના રૂૂટ પર 5,000 લીટરની ક્ષમતાની લગભગ 42 જેટલી પાણીની ટાંકીઓ ગોઠવવામાં આવી રહી છે. ખાસ કરીને માળવેલા ઘોડી જેવા કઠિન વિસ્તારમાં પણ આ વખતે પાણીની વ્યવસ્થાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.સ્વાસ્થ્યના મામલે આ વખતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અને ફોરેસ્ટની જેટલી પણ રાઉટી છે, ત્યાં દરેકે દરેક પોઈન્ટ પર હેલ્થના કર્મચારીઓ જરૂૂરી દવાઓ અને સામગ્રી સાથે ઉપસ્થિત રહેશે. તાત્કાલિક સારવાર માટે પ્રાથમિક સારવાર કેન્દ્રો, હંગામી દવાખાના અને વ્યૂહાત્મક પોઈન્ટ પર એમ્બ્યુલન્સની પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એસ.ટી. વિભાગના ડિવિઝનલ કંટ્રોલર રાવલે જણાવ્યું હતું કે યાત્રિકોની સુવિધા માટે 250 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત, બસ સ્ટેશનથી ભવનાથ સુધી યાત્રિકોને પહોંચાડવા માટે 60 મીની બસની શટલ સર્વિસ પણ ચલાવવામાં આવશે.
