ગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશે
પરિક્રમાનો 36 કિ.મી.નો રૂટ ધોવાઇ ગયો, ભાવિકોની સુરક્ષા- સલામતી ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય
ધાર્મિક પરંપરા જાળવવા સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા યોજશે
જુનાગઢમાં ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમા આ વર્ષે ભાવિકો માટે સ્થગિત કરવામાં આવી છે અને માત્ર સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા પુર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે ગિરનાર પરિક્રમાનો 36 કી.મી.નો રૂટ ધોવાઇ જતા લાખો શ્રધ્ધાળુઓની સલામતી ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સાધુ-સંતો, સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાન યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સાધુ-સંતો અને વહિવટીતંત્રએ પણ શ્રધ્ધાળુઓને પણ પરિક્રમામાં નહીં આવવા અપીલ કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે પરિક્રમાનો સમગ્ર માર્ગ ખરાબ રીતે ધોવાઈ ગયો છે અને અનેક જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો છે. આ રૂૂટ પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની શકે તેમ હોવાથી, જ્યાં સુધી વરસાદની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. લીલી પરિક્રમાને સ્થગિત કરવા અંગેનો આખરી નિર્ણય વહીવટી તંત્ર અને ગિરનારના સાધુ-સંતો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠક બાદ લેવામાં આવ્યો હતો. સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓના જીવનું જોખમ લેવું યોગ્ય નથી.પરિક્રમા સ્થગિત થવા છતાં, સનાતન ધર્મની પરંપરા અને ધાર્મિક વિધિ જાળવી રાખવા માટે સાધુ-સંતો દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મ પરિક્રમા કરવામાં આવશે. જે માટે પહેલી નવેમ્બરનનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. પહેલી તારીખે મુહૂર્ત કર્યા બાદ બીજી નવેમ્બર ગિરનારના સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવશે, જેથી પરંપરાનો લોપ ન થાય. આ પ્રતિકાત્મક પરિક્રમામાં માત્ર સાધુ-સંતો જ જોડાશે અને સામાન્ય શ્રદ્ધાળુઓનો આ રૂૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કારતક સુદ અગિયારસથી પૂનમ દરમિયાન યોજાતી આ પરિક્રમામાં લાખો ભક્તો ગિરનારની આસપાસના જંગલોમાં પરિક્રમા કરતા હોય છે. જોકે, આ વર્ષે તંત્રના આ નિર્ણયને પગલે દૂર-દૂરથી આવનારા શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી છે. તંત્ર દ્વારા આગામી નિર્ણય ન આવે ત્યાં સુધી ભક્તોને ગિરનાર તરફ પ્રયાણ ન કરવા વિનંતી કરવામાં આવી છે.
ઘરે જ પરિક્રમા કરો: જૂનાગઢ ન આવવા ઇન્દ્રભારતી બાપુની અપીલ
આ નિર્ણયની ઘોષણા કરતા ઇન્દ્રભારતી બાપુએ ખાસ કરીને પરિક્રમાથીઓને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર અને સાધુ-સંતો દ્વારા રૂૂટનું નિરીક્ષણ કરાયું, જેમાં વાહનો પણ કાદવમાં ફસાઈ જાય તેવી ગંભીર સ્થિતિ જોવા મળી છે. ગિરનાર પરિક્રમા રૂૂટની હાલની પરિસ્થિતિ અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, તેમ જ પરિક્રમા રૂૂટમાં થયેલા કાદવ-કીચડના કારણે ભાવિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને લઈ, દર વર્ષે પરિક્રમામાં આવતા ભાવિકોને ખાસ અપીલ છે કે આ વર્ષે પરિક્રમામાં ન આવે.