જાન્યુઆરીમાં યોજાશે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા, અરજી ફોર્મ ભરવાનું શરૂ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 14થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક દિવસીય સ્પર્ધા જાન્યુઆરી 2026માં જૂનાગઢ ખાતે આવેલા ગિરનાર પર્વત પર યોજવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓ 31મી ડિસેમ્બર 2025ના રોજ 14થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફાર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને જરૂૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ ખાતે 30મી નવેમ્બર 2025 સુધીમાં મોકલી આપવાનું રહેશે.વર્ષ 2025-26માં રાજકોટ ખાતે ઓસમ પર્વત ચોટીલા, ઈડરનો ડુંગર , પાવાગઢનો ડુંગર તથા વલસાડના પારનેરા ડુંગર ખાતે યોજાનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જુનિયર/ સિનિયર વિભાગમાં 1થી 10 ક્રમાંકે વિજેતા થયેલ યુવક/યુવતીઓએ રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહીં. તે વિજેતા સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારત પગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાંથ સીધો જ પ્રવેશ મેળવી શકશે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે પોતાના ખર્ચે સ્પર્ધાના સ્થળ જૂનાગઢ ખાતે આવવાનું રહેશે, સ્પર્ધા દરમિયાન વિનામૂલ્યે નિવાસ, ભોજન તેમજ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સ્પર્ધકને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આયોજક જિલ્લાને મળેલ અરજીઓ પૈકી આ સ્પર્ધા માટે પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ દ્વારા ટેલીફોનિક જાણ કરવામાં આવશે.