યુવતીનું પોલીસ બનવાનું સપનું રોળાયું: દોડની પ્રેક્ટિસ દરમિયાન બાઈકચાલકે ઉલાળતા ઇજા
માળિયા હાટીનાના જુથળ ગામની ઘટના: રાજકોટમાં 12 તારીખે ગ્રાઉન્ડ પાસ કરવા આવે તે પૂર્વે જ નડ્યો અકસ્માત
માળીયા હાટીનાના જુથળ ગામે રહેતી અને હોમગાર્ડમાં ફરજ બજાવતી યુવતી પોલીસ દોડની પ્રેક્ટિસ કરતી હતી. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા યુવતીને ઇજા પહોંચી હતી. યુવતીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. દસ દિવસ બાદ જ રાજકોટ મવડી હેડ ક્વાર્ટરમાં ગ્રાઉન્ડ હતું અને દોડની પરીક્ષા માટે આવવાની હતી. પરંતુ તે પહેલાં જ અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા યુવતીનું સપનું અધૂરું રહી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળીયા હાટીનાના જુથળ ગામે રહેતી કવિતાબેન લાખાભાઈ રાઠોડ નામની 25 વર્ષની યુવતી ગઈકાલે સવારના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ગામ પાસે પોલીસ ભરતીની પ્રેક્ટિસ માટે દોડ લગાવતી હતી. ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. યુવતીને હાથે પગે અને શરીરે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે કેશોદ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માળીયા હાટીના પોલીસને જાણ કરતા માળિયા હાટીના પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો પ્રાથમિક પૂછપરછમાં કવિતાબેન રાઠોડ હોમગાર્ડમાં ફરજ બજાવે છે અને હાલ ચાલી રહેલી પોલીસ ભરતીની તૈયારી કરે છે અને કવિતાબેન રાઠોડને આગામી તા.12 ફેબ્રુઆરીના રોજ રાજકોટ મવડી હેડ ક્વાર્ટરમાં દોડની તારીખ હતી પરંતુ નવ દિવસ પૂર્વે જ કવિતાબેનને દોડની પ્રેક્ટિસ દરમિયાન અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા પગમાં ફેક્ચર આવી જતા કવિતાબેન રાઠોડનું સપનું અધૂરું રહ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.