પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાત
મુળી તાલુકાના આસુન્દ્રા ગામે પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતો હોવાની પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળીના આસુન્દ્રા ગામે રહેતી કિરણ લક્ષ્મીબેન પરમાર (ઉ.23) નામની યુવતીએ ગઈકાલે સાંજે પેાતાના ઘરે પંખામાં દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવતીએ આપઘાત પહેલા વાડીએ ગયેલા તેની માતાને વિડિયો કોલ કર્યો હતો. જો કે માતા ઘરે પહોંચી ત્યારે પુત્રીને લટકતી જોઈ હતપ્રભ બની ગયા હતાં. બનાવની જાણ થતાં મુળી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક કિરણને ચાર વર્ષ પહેલા ગામમાં જ રહેતાં નરેશ નાગર પરમાર સાથે પ્રેમ સંબંધ હોય બાદમાં તેણે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. ત્યારથી નરેશ યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેલીંગ કરતો હોય જેથી પૂર્વ પ્રેમીની હેરાનગતિથી કંટાળી યુવતીએ આ પગલું ભરી લીધાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. એકની એક પુત્રીના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.