જેતપુર DYSP કચેરીમાં યુવતીએ ઝેરી દવા પી લેતા દોડધામ
જેતપુર ડીવાયએસપી કચેરીમાં યુવતિએ ન્યાય નહીં મળતા આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેને પકડી સીવીલ હોસ્પિટલે ખસેડી હતી. સામુહિક દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ બાબતે ન્યાયની આશા સાથે આવેલી યુવતિએ ઝેરી દવા પી લીધી હતી. આ યુવતિએ અગાઉ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી જેને પગલે રાજકોટ એસ.પી. ઓફિસ અને જેતપુર ડિવાયએસપી કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં જેતપુર ડિવાયએસપી કચેરીએ યુવતિએ આત્મ વિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી.
સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, જેતપુરના એક ગામમાં રહેતી યુવતિ કે જે એક શખ્સ સાથે મૈત્રી કરારથી રહેતી હોય તેની સાથે સામુહિક દુષ્કર્મ થયું હોય અને તેનું વિરપુરથી અપહરણ કરવામાં આવ્યું હોય જે મામલે પોલીસ દ્વારા રાજકોટ ગ્રામ્ય એલસીબી અથવા જૂનાગઢ એલસીબીને તપાસ સોંપાઈ તેવી માંગ સાથે પોલીસ અધિકારીઓને કરેલી રજૂઆત છતાં આ યુવતિની ફરિયાદ બાબતે પોલીસે કોઈ ગંભીરતા નહીં લેતા આ યુવતિએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. સામુહિક દુષ્કર્મ અને અપહરણની ફરિયાદમાં એલસીબીને તપાસ સોંપવાની માંગ સાથે યુવતિએ આપેલી ચીમકીના પગલે રાજકોટ જિલ્લા પોલીસવડા કચેરી તેમજ જેતપુર ડિવાયએસપી કચેરીખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પોલીસ બંદોબસ્ત વચ્ચે જેતપુર ડિવાયએસપી કચેરીએ પહોંચેલી યુવતિએ ઝેરી દવા પી લીધી હતી. જેતપુર ડિવાયએસપી કચેરીએ હાજર પોલીસે યુવતિને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પુર્વે જ તેણે દવાનો એક ઘુટ ભરી લીધો હતો. ત્યાં હાજર પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવતિને અટકાવી તેને તાત્કાલીક હોસ્પિટલે ખસેડી હતી. આ મામલે જિલ્લા પોલીસવડાને જાણ કરવામાં આવતા હવે આ યુવતિની ફરિયાદને લઈને આગામી દિવસોમાં પોલીસ હવે શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું.