બાથરૂમમાં બારી સાથે ગળાફાંસો ખાઈ યુવતીએ કરેલો આપઘાત
યુનિવર્સિટી રોડ પર તોરલ પાર્કનો બનાવ : દરવાજો તોડીને બહાર કઢાઈ, કારણ અકબંધ
શહેરના યુનિવર્સિટી રોડ પર જે.કે.ચોક પાસે આવેલા તોરલ પાર્કમાં રહેતી ફાલ્ગુનીબેન બીપીનચંદ્ર પાટડીયા (ઉ.31) નામની યુવતી આજે સવારે પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા ગઈ હતી. બાદમાં ઘણો સમય થવા છતાં બહાર ન આવતાં પરિવારજનોને અજુગતુ બન્યાની શંકા જતાં તેના ભાઈએ દરવાજો તોડી જોતા યુવતી બાથરૂમમાં સિમેન્ટની બારી સાથે સાડી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી હતી. જેથી તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઈ બે બહેનમાં નાની અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મુળ વાંકાનેરના વતની હોવાનું અને ધંધા માટે પરિવાર સાથે રાજકોટ રહેવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેણીએ આ પગલું શા માટે ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી સોની પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.