મોબાઇલમાં મશગુલ રહેતી યુવતીને પરિવારે ઠપકો આપતા આપઘાત
આધુનીક યુગમાં મોબાઇલનું વળગણ વધી રહ્યુ છે. વિદ્યાર્થીઓ અને યુવક યુવતીઓ ઉપર મોબાઇલની નકારત્મ અસરો પડી રહી છે. મોબાઇલમાં સતત રચ્યા પચ્યા રહેતા સંતાનોને વાલીઓ દ્વારા ઠપકો આપવામાં આવતા સંતાનો અવળુ પગલુ ભરી લેતા હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. મોબાઇલમાં મશગુલ રહેતી યુવતીને પરિવારજનોએ ઠપકો આપતા તેણીને લાગી આવતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર કેદારનાથના ગેઇટ પાસે આવેલી ન્યુ સાગર સોસાયટીમાં રહેતી ઉર્વિશા સલીમભાઇ માઢાત (ઉ.વ.19)નામની યુવતીએ આજે સવાર પોતાના ઘરે પંખા સાથે ચુંદળી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા 108નો સ્ટાફ દોડી ગયો હતો. જેને યુવતીને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક ઉર્વિશા એક ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને તેના પિતા રીક્ષા ચાલક હોવાનુ જાણવા મળ્યું છે. વધુ તપાસમાં મૃતક ઉર્વિશા સતત મોબાઇલમાં મશગુલ રહેતી હોય જેથી પરિવારજનોએ ઠપકો આપતા લાગી આવતા આ પગલુ ભરી લીધાનું ખુલ્વા પામ્યું છે. પુત્રીના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.