જી.જી. હોસ્પિટલમાં દવા બારીનો કર્મચારી ચડ્ડી પહેરી ફરજ પર
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ કોઈને કોઈ મુદ્દે ચર્ચા ના એરણે રહે છે, અને દિન પ્રતિ દિન કોઈને કોઈ ક્ષતિઓ સામે આવતી જાય છે, અથવા તો બેદરકારી જોવા મળી રહી છે. તાજેતરમાં જ દવા બારીનો એક કર્મચારી માત્ર ટૂંકી ચડ્ડી પહેરીને પોતાની ફરજ પર હોવાનો અને અર્ધનિંદ્રા અવસ્થામાં હોવાનો વિડીયો સામે આવ્યો છે. દવા લેવા માટે ગયેલા એક દર્દીના સગા ને દવાબારીના કર્મચારીનો કડવો અનુભવ થયો હતો.
વોર્ડમાંથી તબીબે લખી આપેલી ચિઠ્ઠી સાથે દવા લેવા ગયેલા દર્દીના સગાને ફાઈલ લઈ આવવાનું કહીને દવા બારી નો કર્મચારી પરત સુવા લાગ્યો હતો. પરંતુ જાગૃત નાગરિકે તેની સાથે રકઝક કરી હતી, અને પોતાના સગા દર્દી ના કેસની ફાઈલ વોર્ડમાં તબિબ પાસે પડી છે, અને તબીબે અંગ્રેજીમાં દવા ની ચિઠ્ઠી લખી આપી છે, તે વાંચીને દવા આપવાનો આગ્રહ રાખ્યો હતો. પોતે અંગ્રેજી જાણતા નથી તમારે તે વાંચી ને દવા આપી દેવી જોઈએ તેવો આગ્રહ રાખ્યો હતો.
દરમિયાન આંખો ચોળતા દવા બારીના કર્મચારીએ ચડ્ડી પહેરેલી અવસ્થામાં જ જીભા જોડી કર્યા પછી કોઈ દવા આપી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે દર્દીના સગાએ દવાબારી ના કર્મચારી સાથે વધુ ચર્ચા કરી ને આવા કપડામાં શું કામ ફરજ બજાવો છો, તે સમગ્ર બાબતે રકઝક કરી હતી, ઉપરાંત તેનો વિડીયો પણ બનાવી લીધો હતો.જે વિડિયો શહેર ભર માં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જીજી હોસ્પિટલના આવા બેદરકારી ભર્યા અને ઢંગ ધડા વગરના વસ્ત્રો પહેરેલા કર્મચારી સામે હોસ્પિટલના તંત્રએ સખત કાર્યવાહી કરવી જોઈએ, તેવી પણ માંગ ઉઠી છે. દવા આપવાના સમયે કર્મચારી દવા બારી ની અંદર સોફા પાથરીને સુતેલો જોવા મળે તે પણ નવાઈની વાત છે. હોસ્પિટલનું તંત્ર આની સામે પગલાં ભરે છે કે કેમ? તે જોવાણી રહે છે.