હળવદના વાંકિયા ગામે જીઇબીના કર્મીનો ઝેરી દવા પી આપઘાત
હળવદના વાકીયા ગામે પત્નીએ બાળકોને ઠપકો આપતા જીઇબીમાં નોકરી કરતા પતિને માઠું લાગી આવતા ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હળવદના વાંકીયા ગામે રહેતા અને જીઇબીમાં ફરજ બજાવતા નવલભાઇ રાજુભાઈ મોહનિયા નામના 25 વર્ષના યુવાને ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક નવલ મોહનિયા મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને બે ભાઈ બે બહેનમાં વચ્ચે હતો તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. નવલ મોહનીય જીઈબીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પત્ની સારિકાબેને બાળકોને ઠપકો આપ્યો હતો. જેથી યુવકને લાગી આવતા નવલ મોહનીયાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.