સિગારેટ સળગાવતા ગેસનો બાટલો ફાટ્યો, બે શ્રમિક યુવક દાઝ્યા
શાપર-વેરાવળમાં શ્રમીકે મધરાત્રે સિગારેટ સળગાવતા ગેસનો બાટલો ફાટ્યો હતો. જેમાં બંને શ્રમિક યુવક ગંભીર રીતે દાઝી જતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં શીતળા માતાજીના મંદિર પાસે રહેતા મોનુ દિલીપભાઇ કોલ (ઉ.વ.23) અને કિશોર રાજુભાઇ બસરા (ઉ.વ.20)મધરાત્રે પોતાના રૂમમાં હતા તે દરમિયાન ગેસનો બાટલો ફાટતા બંને યુવક ગંભીર રીતે દાઝી ગયા હતા. બંનેને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા એક યુવકની તબીયત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે.
પ્રાથમિક તપાસમાં રૂમમાં રહેલો પાંચ કીલ્લોનો ગેસ સિલિન્ડરનો બાટલો રાત્રના સમયે ચાલુ રહી ગયો હતો. તે દરમિયાન મધરાત્રે મોનુ કોલે સિગારેટ સળગાવતા ગેસનો બાટલો ફાટતા બંને શ્રમિક દાઝી ગયા હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.