કુંભમાંથી પરત ફરતા ગારિયાધારના પરિવારને ઝાંસી નજીક નડેલો અકસ્માત, ચાર લોકોનાં મોત
યુપીના ઝાંસીમાં એક ગોઝારો અકસ્માત થયો છે. શુક્રવારે સવારે ઝાંસી-કાનપુર NH પર સુલતાનપુરા ઓવરબ્રિજ પર એક ઝડપી કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. મહાકુંભ પ્રયાગરાજમાં સ્નાન કરીને ભાવનગરના ગારિયાધારના વતની અને હાલ સુરતન વરાછામાં રહેતા દંપતી સહિત ચાર લોકોના અકસ્માતમાં મૃત્યુ થયા છે. જ્યારે પુત્રી કારમાં ફસાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલત નાજુક હોવાનું કહેવાય છે.
આ અકસ્માત ચિરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.ગારિયાધારના રૂૂપાવટી ગામે રહેતા અને પાલિતાણા રોડ પર શામળા ગૌશાળાનું સંચાલન કરતા બિપીનભાઇ વલ્લભભાઇ ગોયાણી, તેમના પત્નિ ભાવનાબેન ગોયાણી અને લાઠી તાલુકાના ભાલાવાવ ગામના રહેવાસી અને તેમના સબંધી જગદીશભાઇ નાગજીભાઇ વિરાણી તેમના પત્નિ કૈલાસબેન વિરાણી ચારેય લોકો સુરતથી પ્રયાગરાજ ખાતે પોતાની વેન્યુ કાર લઇને મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા જ્યાંથી પરત ફરી રહ્યા હતા તે વેળાએ ઝાંસી કાનપુર નજીક તેમની કાર સાથે સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકે અચાનક બે્રક મારતા કાર ટ્રકની પાછળ ધુસી ગઇ હતી.અકસ્માત બાદ ચારેય લોકોને ગંભીર હાલતે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબિબે ચારેય શ્રધ્ધાળુઓને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. ચારેય શ્રદ્ધાળુઓના મોત બાદ તેમની લાશ વતનમાં લાવવામાં આવ્યો હોવાનું નજીકના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.