દિગ્જામ સર્કલ નજીક કચરામાં બે વખત આગ લાગી
બસ અને બેનર હોવાના કારણે તંત્રમાં દોડધામ
જામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર ઓવરબ્રિજ નજીકના ભાગમાં પાર્ક કરવામાં આવતી ખાનગી લક્ઝરી બસ ના નજીકના ભાગમાં જ પડેલા કચરામાં ગઈકાલે રાત્રે બે વખત આગ લાગી હતી, અને ફાયર બ્રિગેડની ટીમે બંને વખત આગને કાબુમાં લીધી હતી. આગે મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું અને નજીકમાં લક્ઝરી બસો ઉપરાંત ઉપર નાયલોન બેનર સાથે ના હોર્ડિંગ હોવાથી ભારે દોડધામ થઈ હતી.આગના આ બનાવની વિગત એવી છે કે જામનગર સર્કલ નજીક આંબેડકર બ્રિજ નજીકના ભાગમાં ખાનગી લક્ઝરીબસો પાર્ક કરવામાં આવે છે, તેમ જ તે જ સ્થળે મોટા હોર્ડિંગ લગાવાયા છે, જેમાં લાઇટિંગ સાથેના નાયલોન બેનર પણ લગાવેલા છે. જેની નીચે એકત્ર થયેલા કચરાના ઢગલામાં ગઈ રાત્રે સૌપ્રથમ 11.00 વાગ્યાના સમયે આગ લાગી હતી.
જે બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી સમયસર ઘટના સ્થળે દોડી ગઈ હતી. જે દરમિયાન આગે મોટુ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. અને કાગળ કચરા ની સાથે જુના ટાયર વગેરે પણ સળગ્યા હોવાથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, અને ફાયરે આગને કાબુમાં લીધી હતી.
દરમ્યાન રાત્રિના 1.45 વાગ્યાના અરસામાં તે જ સ્થળે ફરીથી આગ ભભૂકી ઉઠી હતી, અને બીજી વખત ફાયરનું તંત્ર દોડતું થયું હતું, અને પાણીનો મારો ચલાવી આગને આબુમાં લીધી હતી. આ બબ્બે વખતની ઘટનાને લઈને ખાનગી લક્ઝરી બસના સંચાલકો અને તેમના સ્ટાફ ઉપરાંત હોર્ડિંગ વગેરેના સંચાલકોમાં મોડી રાત્રે ભારે દોડધામ થઈ હતી. જોકે સદભાગ્યે સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી કોઈ પણ પ્રકારની નુકસાની થતી અટકી હતી.