For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ગરબા આયોજકોની હડિયાપટ્ટી

05:46 PM Oct 03, 2024 IST | Bhumika
મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ગરબા આયોજકોની હડિયાપટ્ટી
Advertisement

30 જેટલી અરજીમાંથી બપોર સુધીમાં 15 મંજૂર, બાકીની અરજી અંગે સાંજ સુધીમાં નિર્ણય લેવાશે

ફાયર એનઓસી સહિતના સર્ટિફિકેટ મેળવવામાં આયોજકોને ફીણ આવી ગયા

Advertisement

રાજકોટ સહિત ગુજરાતભરમાં આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને અર્વાચીન રાસોત્સવના મોટા પ્રમાણમાં આયોજનો થયા છે. ત્યારે ચાલુ વર્ષે રાજકોટના ગેમઝોન અગ્નિકાંડના કારણે સરકાર દ્વારા બનાવવામાં આવેલી કડક ગાઈડલાઈનનું પાલન કરવામાં ગરબા આયોજકોને રિતસર પરસેવો છુટી રહ્યો છે. અમદાવાદ સહિતના અન્ય શહેરોની માફક રાજકોટમાં પણ મોટા ગરબાના આયોજકોને પોલીસ સહિત વિવિધ સરકારી તંત્રની મંજુરી લેવામાં ભારે હડિયાપટ્ટી કરવી પડી હતી અને મોડી સાંજ સુધી આયોજકો વિવિધ સરકારી એજન્સીઓના સર્ટીફિકેટ અને એનઓસી લેવા દોડધામ કરતા નજરે પડ્યા હતાં.

રાજકોટ શહેરમાં અર્વાચીન રાસોત્સવમાં 30 જેટલા મોટા આયોજનો થયા છે. તેમાંથી 15 જેટલા આયોજકોએ ગઈકાલ સુધીમાં તમામ મંજુરીઓ પોલીસ સમક્ષ રજૂ કરી દેતા પોલીસે 15 જેટલા આયોજનોને લીલીઝંડી આપી દીધી હતી. ત્યારે બાકીના 15 જેટલા આયોજકો નિયત કરેલા પ્રમાણપત્ર અને એનઓસી આપી શક્યા ન હોવાથી આજે સાંજ સુધી આ મંજુરી માટે દોડધામ ચાલી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે, નિયત કરેલા તમામ પ્રમાણપત્રો અને એનઓસી જમા કરાવે તેને તુરંત મંજુરી આપી દેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમુક ગરબા આયોજકો જરૂરી મંજુરીઓ આજે બપોર સુધી રજૂ કરી શક્યા નથી. તેમને સાંજે બોલાવવામાં આવ્યા છે. અને જો સાંજ સુધીમાં મંજુરી રજૂ કરી દે તો તેમને પણ ગરબા શરૂ કરવાની મંજુરી આપી દેવામાં આવશે.

રાજકોટ શહેરમાં કુલ 524 જેટલા પ્રાચીન ગરબાના આયોજનો થયા છે. જે તમામને મંજુરી આપી દેવામાં આવી છે. આ સિવાય 136 જેટલા શેરી ગરબાના પણ આયોજનો થયેલ છે. તેને પણ મંજુરી આપી દેવામાં આવી છે. પરંતુ અર્વાચીન રાસોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ એકત્રીત થતાં હોય રાજ્ય સરકારે બનાવેલી ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય અને ફાયર સેફ્ટી સહિતના સર્ટિફિકેટ રજૂ કરે ત્યાર બાદ જ મંજુરી આપવામાં આવી રહી છે. જો કે, અમુક આયોજકો એક-બે સર્ટિફિકેટ રજૂ કરી શક્યા નથી તેમને પણ સાંજ સુધીમાં જરૂરી સર્ટિફિકેટ મળી જવાની આશા છે. હાલ કોઈ મોટા આયોજનો મંજુરી વાંકે અટકે તેવી શક્યતા નહીંવત જણાય છે. આમ છતાં મોટા ગરબાના આયોજકો આજે મોડી સાંજ સુધી મંજુરીઓ માટે દોડધામ કરતા નજરે પડ્યા હતાં.

ફાયર વિભાગમાં એનઓસી માટે 25 અરજી, પોલીસમાં 30 ગરબાની મંજૂરી મગાઈ
રાજકોટમાં આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. અને સાંજે ભારે ઉમંગ ઉત્સાહભેર રાસોત્સવો શરૂ થનાર છે. તે પૂર્વે પોલીસ મંજુરી માટે જરૂરી તમામ વિભાગના સર્ટિફિકેટ મેળવવા આયોજકો હાફળા ફાફળા બન્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનાં ફાયર વિભાગમાં ફાયર એનઓસી માટે 25 ગરબા આયોજકોએ અરજી કરી હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. જ્યારે પોલીસ વિભાગમાં 30 જેટલા ગરબાના આયોજનો માટે અરજી થઈ છે. ફાયર એનઓસી વગર પોલીસ તંત્ર દ્વારા ગરબાઓને મંજુરી મળી શકે તેમ નથી. ત્યારે ફાયર એનઓસી માટે અજી નહીં કરનાર આયોજકો છેલ્લીઘડીએ મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement