બંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘૂસી જતા ગેરેજ સંચાલકનું મોત
શહેરમાં અકસ્માતની ઘટનાનો પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. જુના માર્કેટ યાર્ટ નજીક બંઘ ટેન્કર પાછળ સ્કુટર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા સ્કુટર ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મોરબી રોડ પર રહેતો અને માંડા ડુંગરમાં ગેરેજ ચલાવતો યુવાન ઘરે જમવા જતો હતો ત્યારે રસ્તામાં જ કાળ ભેટી જતા પરિવાર જનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર ઘનશ્યામનગર મેઇન રોડ પર સેટેલાઇટ ચોક પાસે રહેતો પ્રદીપ રાજેન્દ્રભાઇ પ્રજાપતિ (ઉ.વ.27)નામનો યુવાન આજે બપોરે એક વાગ્યાના અરસામાં પોતાનું સ્કુટર લઇ ઘરે આવતો હતો ત્યારે જુના માર્કેટ યાર્ડ નજીક ઓવરબ્રિજ પાસે હાઇવે પર બંધ ટેન્કર પડ્યું હોય જેની પાછળ સ્કુટર ઘુસી જતા અક્સમાત સર્જાયો હતો જેમાં પ્રદીપને માથાના ભાગે થતા શરીરે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક પ્રદીપ બે ભાઇ એક બહેનમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.વધુમાં મૃતક પ્રદીપ આજીડેમ ચોકડી નજીક આવેલા માંડા ડુંગરમાં ગેરેજ ચલાવતો હોય આજે બપોરે ગેરેજેથી ઘરે જમવા માટે આવતો હતો ત્યારે જુના માર્કેટ યાર્ડ પાસે બંધ પડેલા ટ્રક પાછળ સ્કુટર ઘુસી જતા અક્સ્માત સર્જાયો હતો આ બનાવથી એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.