જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું, તંત્ર એલર્ટ
નીચાણવાળા વિસ્તારમાં આવતા કલ્યાણપુર, જસાપર, ગોરખડી, ધ્રાફા સહિતના ગામોના લોકોને સતર્ક કરાયા, ટુકડીઓ તૈનાત
સોગઠી નાની સિંચાઈ યોજનાના ડેમમાં ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની ડાઉન સ્ટીમ ફેસમાં સ્ટોન મેશનરી ધોવાઈ જતાં ગાબડુ પડી ગયું છે. હાલ વરસાદ ચાલુ રહેતાં અને ડેમ 0.50 ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો હોવાથી નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન હજુ શક્ય નથી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ડેમની નીચવાસમાં આવેલા કલ્યાણપુર, જસાપર, ગોરખડી અને ધ્રાફા ગામના લોકોને સતર્ક રહેવા અને સલામતીના પગલાં લેવા માટે જાણ કરવામાં આવી છે. ગામોના લોકોને તાત્કાલિક ઉંચાણવાળી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે.
આ અંગે નાયબ કાર્પાલક ઇજનેર અને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર, આર. જે. અકબરીએ જણાવ્યું છે કે, પરિસ્થિતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ પગલાં લેવામાં આવશે. ગામના લોકોને શાંત રહેવા અને સત્તાવાળાઓના સૂચનોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે. ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર પાસે આવેલ સોગઠી ડેમમાં ગાબડું પડવાથી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.હાલ લાલપુર પ્રાંત અધિકારી અસવાર, સિંચાઈ વિભાગના ઈજનેર અકબરી, જામજોધપુર મામલતદાર કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી બલદાણીયા વગેરેએ ડેમ સાઈટની સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
જો પાણીનું વહેણ વધે અને જાનમાલનું નુકસાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઉભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર, તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી છે.મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પળેપળની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.