ગુજરાત ભાજપમાં ગેંગવોર જેવી સ્થિતિ: અમિત ચાવડા
કોંગ્રેસમાં પદોનો લાભ લઇ ભાજપમાં જનારાની હાલત જગજાહેર છે: અમિત ચાવડાએ અર્જુન મોઢવાડિયા પર સાધ્યુ નિશાન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ અને તેના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે. નામ લીધા વિના પૂર્વ કોંગ્રેસ નેતા અને હાલ ભાજપના નેતા અર્જુન મોઢવાડિયા પર નિશાન સાધતા ચાવડાએ જણાવ્યું કે, કેટલાક લોકોને કોંગ્રેસે મોટા પદો આપ્યા, વર્ષો સુધી હોદ્દા પર રાખ્યા પરંતુ તેમણે કોંગ્રેસ દ્વારા ઓળખ બનાવીને ભાજપમાં જોડાઈ ગયા. આજે તેમની હાલત શું છે, એ સૌ કોઈ જાણે છે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
ચાવડાએ કહ્યું, કોંગ્રેસે કેટલાક નેતાઓને મોટા પદો આપ્યા હતા. કોંગ્રેસ દ્વારા જ તેમણે પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ તેમણે પક્ષ છોડી ભાજપનો દામન પકડી લીધો હતો. આજે તેમની હાલત ગુજરાતની જનતા સામે સ્પષ્ટ છે. આ નિવેદન અર્જુન મોઢવાડિયા પર સીધો હુમલો માનવામાં આવે છે, જેમણે 2024માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. મોઢવાડિયા કોંગ્રેસમાં ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.
ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છે.
તેમની અંદર ગેંગવોર જેવી સ્થિતિ ચાલી રહી છે. તેમણે આગળ કહ્યું કે ભાજપમાં જૂથબંધી અને આંતરિક લડાઈઓથી પાર્ટીનું સંગઠન નબળું પડી રહ્યું છે. આ ટિપ્પણી ભાજપના અંદરની રાજકીય ગતિવિધિઓ અને નેતાઓ વચ્ચેના સંઘર્ષોનો ઉલ્લેખ કરે છે, જેમાં મોઢવાડિયા જેવા નવા જોડાયેલા નેતાઓની ભૂમિકા પણ ચર્ચામાં છે.
ઉલ્લેખનિય છે કે, પાછલા દિવસોમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જતાં નેતાઓને સારા પદ્દો આપવા બાબતે રાજકીય કાવાદાવા સામે આવ્યા હતા. તે વખતે બીજેપીના ટોચના નેતૃત્વ ઉપર એવા આરોપ લગાવવામાં આવી રહ્યાં હતા કે, ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકા લોટ ખાય, એટલે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મસમોટા પદ્દો તો વર્ષોથી ભાજપમાં રહીને મહેનત કરતાં નેતાઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યાં છે.
અમિત ચાવડાના આ નિવેદનથી ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે, ખાસ કરીને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં. વર્તમાન સમયમાં અમિત ચાવડા એક નવા જ રૂૂપ રંગમાં દેખાઈ રહ્યાં છે. તેઓ પાછલા કેટલાક સમયથી અડધી પીચે આવીને બેટિંગ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. તો સામે છેડે બીજેપી બેક ફૂટ ઉપર ધકેલાઈ રહી છે. ચાવડાનો આ હુમલો ભાજપની આંતરિક નબળાઈઓને ઉજાગર કરી દીધી છે, જ્યારે મોઢવાડિયા પરની ટિપ્પણીઓ કોંગ્રેસમાં રહીને પક્ષના વફાદાર ન હોય તેવા નેતાઓને આડકતરો સંદેશ આપવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ભાજપ તરફથી હજુ સુધી આ નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આ નિવેદનથી રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.