શ્રમિક પરિણીતા સાથે આડા સંબંધની વાત ફેલાવ્યાની શંકાએ યુવાન ઉપર બેલડીનો હુમલો
પડધરી તાલુકાના થોરીયાળી ગામે રહેતા યુવકને શ્રમિક પરિણીતા સાથે આડા સંબંધ હોવાની વાત ફેલાવતો હોવાની શંકાએ યુવાન ઉપર બે શખ્સોએ લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીના થોરીયાળી ગામે રહેતા મહેશ જાદવભાઈ કાકડીયા નામનો 40 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં બસ સ્ટેશન પાસે હતો ત્યારે રાહુલ પોપટ અને અલ્કેશ પોપટ નામના શખ્સોએ લાકડી વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર રાહુલ પોપટને શ્રમિક પરણીતા સાથે આડા સંબંધ હોવાની ગામમાં ચર્ચા વહેતી થઈ હતી. જે વાત મહેશ કાકડીયાએ ફેલાવ્યાની શંકાએ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.