કલેક્ટર કચેરીમાં ગાંધીનગરની ટીમ ત્રાટકી ; અપીલ શાખા, બિનખેતી સહિતના વિભાગમાં તપાસ
રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા રેવન્યુ કેસમાં ચુકાદા તાત્કાલીક નહીં આપતાં હોવાની ગઈકાલે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે આજે ઓચિંતાજ ગાંધીનગરથી રેવન્યુ ઈન્પેકશનની ટીમ ઓચિંતા જ કલેકટર કચેરીમાં ત્રાટકી અપીલ શાખા, બિનખેતી વિભાગ સહિતનાં તમામ વિભાગોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.રાજકોટ જિલ્લા કલેકટરની કચેરીમાં આજે સવારે ગાંધીનગર આર.આઈ.સી.ને ડેપ્યુટી કલેકટર ગૌતમ સહિતના પાંચ અધિકારીઓની ટીમે ઓચિંતા જ છાપો મારી આર.ડી.સી.ચેતન ગાંધીને સાથે રાખી જુદા જુદા વિભાગમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
રેવન્યુ ઈન્પેકશનની ટીમ દ્વારા અપીલ શાખા, બિનખેતી વિભાગ, રેકર્ડ વિભાગ, જ્યુડીશ્યલી બ્રાંચ સહિતના તમામ વિભાગોમાં તપાસ કરી છેલ્લે આપેલ તમામ ચુકાદાઓની માહિતીએા એકઠી કરી હતી.
આ ઉપરાંત આર.આઈ.સી.ની ટીમ દ્વારા કલેકટર કચેરીમાં ફરજ બજાવતાં તમામ સરકારી કર્મચારીઓની હાજરીનો પત્રક પણ કબજે લઈ તપાસ કરી હતી અને કોઈ કર્મચારી ગુટલી મારી છે કે કેમ ? તે મુદ્દે તપાસ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જુની કલેકટર કચેરીમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરીમાં પણ આર.આઈ.સી.ની ટીમ દ્વારા બે દિવસ તપાસ કરી રેકર્ડ સહિતનું સાહિત્યની ચકાસણી કરવામાં આવી હતી.