ગાંધીનગર: પેટ્રોલ પંપના માલિકે બે દીકરીઓ સાથે કરી આત્મહત્યા, નર્મદા કેનાલમાંથી બેના મૃતદેહ મળ્યા
ગાંધીનગરના કલોલ તાલુકામાંથી એક ચોંકાવનારી સામે આવી છે. એક બિઝનેસમેને પોતાની બે માસૂમ દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી સામૂહિક આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનામાં બંને માસૂમ દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે પિતાની શોધખોળ હજુ ચાલુ છે. આ ઘટનાને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર કલોલના બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે(7 નવેમ્બર) સવારે પોતાની બે દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. જોકે ધીરજભાઇ મોડી સાંજ સુધી દીકરીઓ સાથે ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવારે તાત્કાલિક સાંતેજ પોલીસ મથકે સંપર્ક સાધી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ શરુ કરી હતી.
પોલીસ ફરિયાદના પેટ્રોલ પંપ માલિક અને તેમની બે દીકરીઓની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આજે સવારે કલોલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બંને માસૂમ દીકરીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
પોલીસે તાત્કાલિક બંને બાળકીઓના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધીરજભાઇ રબારીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી, અને તેમની શોધખોળ માટે કેનાલમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
