રાજકોટ જિલ્લામાં 9 સ્થળે જુગારના દરોડા, રૂા. 2.95 લાખ સાથે 56ની ધરપકડ
ધોરાજી, જેતપુર, જામકંડોરણા, પડધરી, જસદણ અને સુલતાનપુરમાં જુગાર અંગે પોલીસના દરોડા
જન્માષ્ટમીના તહેવારો પૂર્વે સૌરાષ્ટ્રમાં જુગારની મૌસમ પુરબહારમાં ખીલી છે આવા શ્રાવણિયા જુગાર ઉપર પોલીસે પણ દરોડા પાડવાનું શરૂ કર્યુ છે. રાજકોટ જિલ્લાના અલગ અલગ 9 સ્થળોએ પોલીસે દરોડા પાડી જુગાર રમતા 56 શખ્સોની ધરપકડ કરી રૂા. 2.95 લાખની રોકડ કબ્જે કરી છે. જિલ્લાના ધોરાજી, જેતપુર, જામ કંડોરણા, પડધરી, જસદણ અને સુલતાનપુર પંથકમાં પોલીસે જુગારના દરોડા પાડ્યા હતાં.
જિલ્લામાં અલગ અલગ સ્થળોએ જુગારના દરોડામાં જેતપુર તાલુકાના દેવકી ગામે આવેલા રાજેશ્ર્વરી પ્રિન્ટ નામના કારખાનામાં બાજુમાં જુગાર રમતા 8 શખ્સોની રૂા. 1.59 લાખની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ધોરાજીમાં જુગાર રમતા 6 ખેડુતોને રૂા. 25,220ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં. ઉપરાંત જેતપુરના અમરનગરની સીમમાં જવેરભાઈ વાલજીભાઈ રામોતિયાની વાડી પાસે જુગાર રમતા સાત શખ્સોની ધરપવકડ કરી રૂા. 25,400ની રોકડ કબ્જે કરવામાં આવી હતી.
જ્યારે ધોરાજીમાં જાંજમેર ગામમાંથી ત્રણ શખ્સોને રૂા. 3530ની રોકડ સાથે અને જામ કંડોરણાના ઈન્દિરાનગરમાંથી બે મહિલા સહિત ચારને 2430ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં. જ્યારે પડધરીના પાદરડા ગામેથી જુગાર રમતા 8ને રૂા. 34350ની રોકડ સાથે અને જસદણના ડુંગરપુર હનુમાન મંદિર પાસેથી સાત શખ્સોને રૂા. 24,200ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં. સુલતાનપુર ગામે બે દરોડામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને તેમજ રાણસીકી ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ શખ્સોને 30,500ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં.