ભાજપના નેતાના ઘરેથી જુગારધામ ઝડપાયું, ચાર શખ્સોની અટકાયત
પૂર્વ સ્ટે.કમિટીના ચેરમેનના ઘરે પોલીસ ત્રાટકી, 2.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
જામનગર શહેરમાં આવેલા ગુલાબનગર વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડીને ચાર જુગારીઓને ઝડપી પાડવાની ઘટનાએ ચકચાર મચાવી છે. આ ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ જુગારધામ ભાજપના જાણીતા નેતા અને પૂર્વ સ્ટે.કમિટીના ચેરમેન જશરાજ પરમારના ઘરે ચાલતું હતું.
પોલીસને મળેલી બાતમીના આધારે પીઆઈ પી.પી.ઝાની સુચનાથી પીએસઆઈ ઝેડ.એમ. અને તેમની ટીમે જશરાજ પરમારના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી રોકડ રૂૂ. 2 લાખ 72 હજાર, બે બાઈક, ચાર મોબાઈલ ફોન અને 107 ટોકન મળી આવ્યા હતા.
આ સિવાય જુગાર રમતા ચાર આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં જશરાજ પરમાર ઉપરાંત વનરાજસિંહ દિલુભા જાડેજા, અરવિંદસિંહ બટુકસિંહ રાયજાદા અને હિતેશ હર્ષદરાય કોટેચાનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર ગુલાબનગર વિસ્તારમાં રહેતા પૂર્વ ડે.મેયર અને નગરસેવકના પિતા અને ભાજપના નેતા તથા પૂર્વ સ્ટે.કમિટીના ચેરમેન છે. ઘટનાથી ભાજપની છબીને ઘણો ડાઘ લાગ્યો છે અને શહેરમાં ચર્ચાનો વિષય બની છે.પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરી રહી છે.