ધ્રોલમાં વરલી ફિચરનો જુગાર ધમધોકાર ચાલુ
જામનગર જિલ્લાના ધ્રોલ માં દેશી દારૂ અને વરલી મટકાના જુગાર એ માઝા મૂકી છે અને સ્થાનિક પોલીસ ધૃતરાષ્ટ્રની જેમ તમસો નિહાળી રહી છે.
તાજેતરમાં જ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નિમણૂક પામેલા નવનિયુક્ત પી.આઈ એચ વી રાઠોડ સાહેબે ધ્રોલના ચામુંડા પ્લોટ પોલીસ ચોકી એ એક મોહલ્લા દરબાર જેવું આયોજન કરેલ હતું જેમાં આ વિસ્તારના લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે પણ ધ્રોલ પોલીસ ઉપર પીઆઇની હાજરીમાં ગંભીર આક્ષેપો થયા હતા. સ્થાનિકોએ પીઆઇને જણાવેલ કે અમારા વિસ્તારમાં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે આ ઉપરાંત ધ્રોલ પોલીસ દ્વારા જુગારમાં પકડાયેલ મુદ્દામાલ ઓછો બતાવવામાં આવે છે અને પોલીસ બધી બાજુ રોકડી કરતી હોવાના અને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કટકી કડદો અને ભ્રષ્ટાચારનુ સામ્રાજ્ય હોવાના આક્ષેપો થયા હતા.
ત્યારે આ વર્લી મટકાના ચાલતા હાટડાઓ ઉપર પણ ધ્રોલ પોલીસ મહેરબાન હોવાનું જણાય રહ્યું છે અમારા ખાનગી સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર ધ્રોલના ગાંધી ચોક, ગાયત્રીનગર અને રજવી સોસાયટી માં વર્લી ના જુગારના ખુલ્લેઆમ આંકડાઓ લેવાઈ રહ્યા છે.હાલમાં જ બદલી પામેલા પી.એસ.આઇ પી જી પનારાના આ વર્લી મટકાનું નેટવર્ક ચલાવતા શખ્સ ઉપર ચાર હાથ હોવાના પણ પુરાવાઓ મળી રહ્યા છે. પીએસઆઇ પનારાએ જ આ બદપ્રવૃત્તિ આચરવાની છૂટ આપી હતી અને બહારની પોલીસથી સાચવવાની સલાહ પણ આપી હતી.
જ્યારે પી.એસ.આઇનું આટલું મજબૂત પીઠબળ હોય તો પછી ડિ સ્ટાફ અને બીટ વાળા પાછી પાની થોડી કરે આ બધાની મિલીભગતના પાપે આ બદપ્રવૃત્તિ ધ્રોલમા ફુલી ફાલી રહી છે. હવે જ્યારે પીએસઆઇ પનારાની બદલી થઈ ગઈ છે ત્યારે પી.આઈ એચ.વી રાઠોડ સાહેબ આ જુગારની બદપ્રવૃત્તિ બંધ કરાવશે ? આ જુગાર નામનો દૈત્ય પોતાનું વિકરાળ રૂપ ધારણ કરીને કંઈ કેટલાયનો ભોગ લઈ રહ્યો છે.
મહેનત મજુરી કરીને રીક્ષા ચલાવીને લારી રેકડી ચલાવીને માંડ બે ટંકનું રળતા લોકો જ આવા જુગારની લત ધરાવતા હોય છે અને પોતાનું સર્વસ્વ લૂંટાવી રહ્યા છે આવા જુગારની લતના લીધે લોકો બરબાદીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે ત્યારે જિલ્લાપોલીસ વડા પ્રેમસુખ ડેલુ ધ્રોલ પોલીસ ઉપર અને આ બુકીઓ ઉપર લગામ લગાવે તે જરૂરી આ બદપ્રવૃત્તિ તાકીદે બંધ કરવામાં નહિ આવે તો કંઈ કેટલાય ગરીબ પરિવારોને બરબાદ કરશે તેમાં કોઈ બે મત નથી ધ્રોલ પોલીસની ઢીલી નીતિના પાપે આવારા અને અસામાજિક તત્વો કોઈપણ પ્રકારના ખૌફ વગર માથું ઊંચકી રહ્યા છે. વાડ જ ચીભડાં ગળે ત્યારે કોને કહેવું એ યુક્તિ અત્યારે તો ધ્રોલ પોલીસ ઉપર બંધ બેસે છે