સ્મશાન ન હોવાથી તાડપત્રી-પતરાની ઓથે કરાઇ અંતિમવિધિ
ચોમાસાની મોસમમાં વરસાદના કારણે સામાન્ય જન જીવન ખોરવાઈ જાય છે, ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કેળધા બારપૂડા ગામે એક વૃદ્ધના અવસાન બાદ પરિવારજનોને ખુલ્લા આકાશ નીચે અને વરસાદ વચ્ચે અંતિમવિધિ કરવી પડી હતી. ગામમાં પાકી સ્મશાન ભૂમિ ન હોવાના કારણે પરિવારે તાડપત્રી અને પતરાના સહારે અંતિમસંસ્કાર કર્યા હતા.
ઘટનાની વિગત અનુસાર, વૃદ્ધના અવસાન બાદ અંતિમયાત્રા કાઢવા પરિવારજનોને બે કિલોમીટર જંગલ વિસ્તારમાંથી પગપાળા ખુલ્લી જમીન અને કાદવ-માટીના રસ્તાઓ પાર કરીને ખાલી મેદાનમાં જવું પડ્યું હતુ. રસ્તો પણ ન હોવાથી લાકડા અને ટાયર ખભે ઉંચકી લઈ જવાયા હતાં. સ્મશાન સુધી પહોંચ્યા બાદ ભારે વરસાદને કારણે મૃતદેહને પતરા અને તાડપત્રીથી ઢાંકી રાખી વિધિ કરવામાં આવી હતી. ટાયરના સહારે અંતિમક્રિયા પૂર્ણ કરવામાં આવી. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર તંત્રની બેદરકારીને ઉઘાડી પાડી છે. કપરાડા તથા ધરમપુર તાલુકાના અનેક જંગલ વિસ્તારોમાં વર્ષોથી આ સમસ્યા ચાલુ છે. ચોમાસામાં તો પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે. પાકી સ્મશાન ભૂમિ, કે રસ્તા જેવી આધુનિક અને મૂળભૂત સગવડો પણ ન હોવાને કારણે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરે છે.