શહેરમાંથી વધુ રૂા. 22.20 લાખની વીજચોરી પકડાઈ
ચેકિંગ દરમિયાન 39 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ
જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા આજે સતત ચોથા દિવસે પણ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 21 વિજ ચેકીંગ ટુકડીઓ ને દોડતી કરાવાઈ હતી. શહેરમાં ચેકિંગ દરમિયાન 39 વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને 22.20 લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સવારે ફરીથી જામનગર શહેરના નીલકમલ સોસાયટી, ઇન્દિરા કોલોની, ગરીબ નગર, કોમલ નગર, કાલાવડ નાકા બહાર, અમન ચમન સોસાયટી, સનસિટી, નૂરી ચોકડી સહિતના વિસ્તારમાં વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમા 12 એસ આર પી મેન દ્વારા બંધો બસ્ત જળવાયો હતો.
21 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, સમગ્ર દિવસ દરમિયાન કુલ 230 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 39 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા 22.20 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. ચાર દિવસ દરમિયાન રૂ.120. 10 લાખની વિજ ચોરી પકડી લેવાઇ છે.