આવાસનું ફોર્મ હવેથી પતિ-પત્ની બન્ને નહીં ભરી શકે
એક જ પરિવારમાં દંપતીને આવાસો લાગ્યાનું બહાર આવતા લેવાયો નિર્ણય, સંતાનો પુખ્ત હશે તો તેને લાભ મળશે
ઘરનું ઘર હોવા છતાં ફોર્મ ભરશે તો ડિપોઝિટ જપ્ત કરાશે
મહાનગરપાલિકા દ્વારા રાજકોટમાં રહેતા ઘર વિહોણા મધ્યમ વર્ગીય પરિવારોને સસ્તાદરે આવાસ ફાળવવામાં આવે છે. મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી તથા સ્માર્ટઘર આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમની આવકના આધારે આવાસો મળતા હોય છે. પરંતુ એક પરિવારમાં પતિ-પત્ની બન્ને દ્વારા એક જ આવાસ યોજનામાં ફોર્મ ભર્યા બાદ બન્નેને ડ્રોમાં આવાસ લાગ્યા હોવાના બનાવો બનતા હવે કોર્પોરેશને એક પરિવારમાં પતિ અથવા પત્ની બેમાંથી કોઈપણ એક વ્યક્તિના નામે ફોર્મ ભરવાનું રહેશે. અન્યથા બન્ને ફોર્મ અમાન્ય ગણવામાં આવશે. તેવી જ રીતે ઘરનું ઘર હોવા છતાં ફોર્મ ભરેલ હશે તો આ અરજદારની ડિપોઝીટ જપ્ત કરી ફોર્મ અમાન્ય રાખવામાં આવશે.
મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ મહાનગરપાલિકાની હદમાં રહેતા તમામ ઘર વિહોણા પરિવારોને આવાસયોજનામાં આવાસ મળવા પાત્ર છે જેમાં ઘરના મોભીની આવક મુજબ કેટેગરી વાઈઝ આવાસ ફાળવવામાં આવે છે. દર વખતે નવી આવાસ યોજનાના ફોર્મ બહાર પાડવામાં આવે ત્યારે ડ્રોમાં ચાન્સ લાગી જાય તે માટે થઈને એક પરિવારમાંથી પતિ-પત્ની બન્ને ફોર્મ ભરતા હોય છે. જેમાં ઘણી વકત એક જ પરિવારમાંથી પતિપત્ની બન્નેને આવાસો લાગતા હોવાનું બહાર આવ્યું છે. આથી રાજ્ય સરકારે શરૂ કરેલ પોર્ટલ ઉપરથી હવે પતિ-પત્નીએ ફોર્મ ભરેલ હોય તેની વિગત પ્રાપ્ત થઈ શકે તેમ છે. આથી ભવિષ્યમાં પતિ-પત્ની બન્નેને લાગેલા આવાસો પૈકી એકનું આવાસ રદ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ હવે પછી એક પરિવારમાંથી પતિ-પત્ની બન્ને આવાસનું ફોર્મ ભરશે ત્યારે પોર્ટલમાં આધાર કાર્ડના આધારે પતિ-પત્ની હોવાનું સાબિત થશે તો બન્નેના ફોર્મ અમાન્ય રાખવામાં આવશે.
આવાસ યોજના વિભાગના જણાવ્યા મુજબ એક પરિવારમાં પતિ-પત્ની પૈકી એક વ્યક્તિ આવાસ યોજનાનુંફોર્મ ભરી શકશે જ્યારે તેમના સંતાનો કે જે પુખ્ત વયના થઈ ગયા હોય તે દિકરી અને દિકરાઓ પણ અલગથી પોતાના ઘર માટેનું આવાસનું ફોર્મ ભરી શકશે જે માન્ય રાખવામાં આવશે જો દિકરી પરણીત હોય તો તેમના પતિના નામનું ફોર્મ ભરવાનું રહેશે.