દ્વારકાથી શ્રીનગર, પંજાબથી હરિદ્વાર સુધી દિવાળીની ધૂમ
મથુરા, વૃંદાવન અને દ્વારકાધીશ મંદિર સહિત સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ દીવડા અને રંગબેરંગી રોશનીથી ઝગમગી રહી છે. આ દરમિયાન લોકોની ભારે ભીડ દરેક જગ્યા પર જોવા મળી રહી છે. બીજી તરફ હરિદ્વારમાં હર કી પૌડી પણ દિવાળીના દિવસે સુંદર રીતે રોશનીથી સજાવવામાં આવી છે. આ તહેવાર પર મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે.
ત્યારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોક ખાતે આવેલ પ્રતિષ્ઠિત ઘંટા ઘર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. દિવાળી 2025ના અવસરે સશસ્ત્ર દળોના સન્માનમાં ઓપરેશન સિંદૂરની પેટર્ન પર માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા છે. દિવાળીના અવસરે રામમંદિર પણ રોશનીથી ઝગમગી રહ્યું છે. પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં દિવાળીના અવસર પર લોકોની ભારે ભીડ ઊમટી છે. આ અવસર પર ગોલ્ડન ટેમ્પલ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. સુવર્ણ મંદિર પરિસરમાં બંદી છોડ દિવસ અને દિવાળીનો ઉત્સવ એક સાથે મનાવવામાં આવે છે.