રેલનગરમાં બંધ મકાનમાંથી રૂા. 3.53 લાખની ચોરી
- પરિવાર ગઇકાલે ભગવતીપરામાં લગ્નપ્રસંગમાં ગયો ને માત્ર દોઢ કલાકમાં તસ્કરો ધોળા દિવસે દાગીના અને રોકડ ઉસેડી ગયા
રાજકોટ શહેરમાં લગ્નની સિઝન શરૂ થઇ ગઇ હોય જેને પગલે ચોરીના બનાવ પણ વધવા લાગ્યાં છે. ગઇકાલે પાર્ટી પ્લોટમાં લગ્નમાં મહેમાન બનીને આવેલા ગઠીયાએ રોકડ; દાગીના સહિત રૂા.2.50 લાખની ચોરી કરી હતી. ત્યારે વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરનાં રેલનગરમાં સાંઇબાબા સર્કલ શેરી 4માં રહેતા દીપકભાઇ નારણભાઇ ચાવડાના મકાનમાં ધોળા દીવસે તસ્કરો ત્રાટક્યા હતાં અને મકાનમાંથી સાતેક તોલા સોનુ અને રોકડ સહિત રૂા.3.53 લાખની મતા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.
દીપકભાઇએ જણાવ્યું હતું કે, પોતે મેડીકલમાં નોકરી કરે છે અને તેઓ અને તેમના ભાઇ બાજુ-બાજુમાં રહે છે. ગઇકાલે તેઓ બપોરના સાડા ત્રણ વાગ્યા સુધી ઘરે જ હતા. બાદમાં ઘર બંધ કરી બંન્ને ભાઇનો પરિવાર ભગવતીપરામાં લગ્નપ્રસંગમાં ગયા હતા. ત્યાંથી દોઢેક કલાકમાં ત્યાંથી પરત ફરતાં ઘરે આવીને જોયું તો દરવાજાનો આગળીયો તુટેલી હાલતમાં હતો અને મકાનની અંદર જતાં સામાન-વેર વિખેર હાલતમાં પડ્યો હતો અને બંન્ને ભાઇના મકાનમાં ચોરી થયાનું માલુમ પડયું હતું. મકાનમાંથી રોકડા રૂા.80 હજાર તેમજ સોના-ચાંદીના દાગીના જોવા મળ્યાં નહોતા અને તેઓએ આજુબાજુમાં તપાસ કરી હતી. દીપકભાઇએ જણાવ્યું હતું કે ઘરમાંથી અંદાજીત સાતેક તોલા સોનાની ચોરી થઇ છે.
આ સમગ્ર ઘટના અંગે પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફને જાણ થતાં પીઆઇ બી.એમ. ઝણકાટ, પીએસઆઇ ચુડાસમા અને સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીપકભાઇની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. દીપકભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રૂા.80 હજાર રોકડ મેડીકલના હીસાબ ના આવ્યા હતા. પોલીસએ જણાવ્યું હતું કે, આ ચોરીની ઘટનામાં કોઇ જાણ ભેદુ હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે પીઆઇ બી.એમ.ઝણકાટ પણ સ્થળ તપાસ માટે ઘટના સ્થળે ગયા હતા અને ફીંગર પ્રીન્ટ નિષ્ણાંત અને ડોગ સ્કોવડની પણ મદદ લેવામાં આવી રહી છે. તેમજ એક ટીમ દ્વારા નજીકના વિસ્તારોના સી.સી.ટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.