બિઝનેસ વુમનથી બિઝનેસ કોચ સુધીની મેગ્નેટિક સક્સેસ
અનેક બહેનોને રોજગારી આપનાર અને બેસ્ટ મેન્યુફેક્ચરરનો એવોર્ડ મેળવનાર બેલા મીઠાણી બિઝનેસના વિસ્તાર માટે કરે છે થાઇલેન્ડ,ચાઇના,સિંગાપુર, દુબઇની ટૂર
બિઝનેસ અને સંઘર્ષના અનુભવ સાથે મેગ્નેટિક સક્સેસ મેથડ દ્વારા હજારો મહિલાઓને સક્સેસ બિઝનેસ ટીપ્સ આપી રહ્યા છે બેલા અમીર મીઠાણી
‘જ્યારે તમે કોઈપણ કામ કરવા ઈચ્છો છો અને સ્ટ્રગલ આવે ત્યારે તેને તકમાં પરિવર્તિત કરો. મારી સાથે જ આવું કેમ થાય છે એમ ન વિચારો. ધીરજ રાખો.સંઘર્ષ બધાના જીવનમાં હોય જ છે પરંતુ મજા એ છે કે તમે એ સંઘર્ષ સાથે વિકસો. એ તમારી જિંદગીને વધુ નિખારશે,માટે ધીરજ રાખી એ પરિસ્થિતિ માં પણ અડગ રહીને આગળ વધો.ભગવાનને સમર્પિત થઈ જશો તો ભગવાન તમને રસ્તો બતાવશે.’આ શબ્દો છે અમદાવાદના સક્સેસ બિઝનેસ વુમન અને બિઝનેસ કોચ બેલા અમીર મીઠાણીના. હેર બ્રોચ બનાવવાના નાનકડા બિઝનેસથી આજે સફળતાની ટોચ પર પહોંચ્યા છે એટલું જ નહીં અનેક મહિલાઓના જીવનમાં બદલાવ લાવવામાં નિમિત્ત બન્યા છે.તેઓ પોતાના બિઝનેસ અને સંઘર્ષના અનુભવ સાથે મેગ્નેટિક સક્સેસ મેથડ દ્વારા હજારો મહિલાઓને સક્સેસ બિઝનેસ ટીપ્સ આપી રહ્યા છે.
સુરતમાં જન્મ અને અભ્યાસ કર્યો.અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવૃતિઓ જેવી કે વોલીબોલ, ડ્રામા,વકતૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા ઉપરાંત અન્ય રમત ગમતમાં પણ ભાગ લેતા.આ ઉપરાંત ભરતગૂંથણ, મહેંદી અને પાર્લરનો કોર્સ પણ કર્યો. ઝંપીને બેસી રહેવું તેમના સ્વભાવમાં નહોતું. એ સમયે અવરગંડી ફ્લાવર અને હેર બ્રોચનો ટ્રેન્ડ હતો.સ્વભાવ મુજબ તેઓ એ પણ શીખ્યા.આ નાનકડા હેર બ્રોચનો બિઝનેસ તેઓને સફળતાની ટોચે પહોંચાડશે એવી કલ્પના પણ નહોતી. કોલેજના બીજા વર્ષમાં અમીર મીઠાણી સાથે સ્નેહ લગ્ન કર્યા.સંયુક્ત કુટુંબની જવાબદારી છતાં લગ્ન બાદ પતિ અને પરિવારના સભ્યોના સહયોગ થી આગળ ભણ્યા એટલું જ નહીં બિઝનેસમાં પણ ડગ માંડ્યા.દીકરાનો જન્મ થયો, માતા બન્યા.
નવી જવાબદારી સ્વીકારી વધુ મહેનત કરવા લાગ્યા.તેઓની મહેનત જોઈને જાણે લક્ષ્મીજીએ પણ દ્વાર ખખડાવ્યા હોય તેમ હેર બ્રોચના બિઝનેસમાં મોટા ઓર્ડર મળવા લાગ્યા.પતિ પણ બિઝનેસમાં જોડાયા અને હેર એસેસરીની દરેક વસ્તુ બનાવવા લાગ્યા.કામ વધતા અન્ય મહિલાઓને પણ કામ માટે રાખ્યા. ક્યારેય વિચાર્યું પણ ન હોય તેટલી પ્રગતિ થઈ. હોલસેલના ઓર્ડર મળવા લાગ્યા અને કામ કરનાર બહેનોની સંખ્યા પણ વધવા લાગી. જાણે પરિશ્રમથી પ્રસન્ન થઈ પ્રભુકૃપા વરસી.બીજા પુત્રનો જન્મ થયો.ધીમે ધીમે મુંબઈમાં બિઝનેસનો વિસ્તાર કર્યો.પોતાના ભાઈ અને નણંદોઈને પણ બિઝનેસમાં જોડ્યા.સફળતાની આ વાત વાંચીએ કે વિચારીએ એટલી સહેલી પણ નહોતી.
સફળતા સાથે આવેલ સંઘર્ષ વિશેની વાત કરતા બેલા બેને જણાવ્યું કે’ એક વખત 80 હજાર બ્રોચનો ઓર્ડર ક્વોલિટીના કારણે પાછો ફર્યો, ત્યારે દિમાગ શૂન્ય થઈ ગયું હતું. એ જ રીતે હેન્ડમેડ રાખડીમાં પણ અનેક વખત આવું બન્યું.
સંયુક્ત કુટુંબમાં સાસુ, સસરા અને નણંદની ગંભીર બીમારીના સમયનો પણ સામનો કરવાનો આવ્યો.એ જ રીતે મારો પોતાનો ગંભીર અકસ્માત થયો અને ડોક્ટરોએ પથારીવશ થઈ જવાની આગાહી કરી હતી છતાં હિંમત અને ભગવાનની દયાથી આજે સ્વસ્થ છું. એ જ રીતે એક વખત ટ્યુમર થયું હતું એ સમયે પણ કપરો હતો.પતિને કેન્સરની બીમારી આવી ત્યારે પણ કસોટી થઈ હતી. આવા દરેક સંઘર્ષના સમયમાં હતાશ થયા વગર પરિસ્થિતિ પામીને તેને પરાસ્ત કરી હતી.
આ બધા સમય દરમિયાન બિઝનેસ તો ચાલુ જ હતો.વધુ આગળ વધવા ચાઇના તરફ નજર દોડાવી ત્યાંથી માલ લઈને તેઓ દરેક રાજ્યના લોકોની પસંદ મુજબ પ્રોડક્ટ બનાવતા, જેના કારણે બજારમાં એક નામ બન્યું હતું.2010માં તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે બેસ્ટ મેન્યુફેક્ચરરનો એવોર્ડ મળ્યો હતો ત્યારબાદ અનેક એવોર્ડ મળ્યા છે.આજે ત્રણ માળની ફેક્ટરી છે જેમાં 200 બહેનો કામ કરે છે બિઝનેસના વિસ્તાર માટે તેઓએ થાઇલેન્ડ,ચાઇના,સિંગાપુર,દુબઇ વગેરે ટૂર કરી છે.બંને દીકરા કેનેડા છે.બિઝનેસમાં સફળ થયા એ દરમિયાન તેઓ રેકી, યોગ, ટેરો રીડિંગ,ન્યૂમરોલોજી શીખ્યા અને આ બધાથી ઉપર ન્યૂરો લિન્વિસ્ટિક પ્રોગ્રામ શીખ્યા અને માઈન્ડ મિરર સ્ટુડિયો શરૂૂ કર્યો. જાણે જીવનમાં જે જોઈતું હતું તે મળી ગયું
અત્યારે તેઓ બિઝનેસ સક્સેસ કોચ છે.બિઝનેસમાં કેવી રીતે આગળ વધવું? સફળ કેવી રીતે થવું? વગેરે વિશે ગકઙ પ્રોગ્રામ બનાવી મેગ્નેટિક સક્સેસ મેથડ દ્વારા અન્યને માર્ગદર્શન અને મદદ કરે છે.
અત્યાર સુધી પચ્ચીસ હજારથી વધુ લોકોની લાઇફ ચેન્જ કરવામાં નિમિત્ત બનનાર તેઓ જણાવે છે કે,મારે જે જોઈતું હતું તે ભગવાનની કૃપાથી બધું જ મળ્યું છે. એ જ રીતે હું ઈચ્છું છું કે અન્યના સ્વપ્ન પણ સાકાર થાય તેથી હું એક એવી સ્કૂલ ખોલવા માગુ છું જેમાં બાળકોને લાઇફ લેસન શીખવવામાં આવે.મારા સેમિનાર,વર્કશોપ અને સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપું છું જેના દ્વારા તેઓ પોતાની નવી ઓળખ ઊભી કરે.બેલાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દરેક સ્ત્રી નીતા અંબાણી જેવી લાઇફ જીવી શકે છે
અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા બેલાબેન જણાવે છે કે કોઈપણ વસ્તુને આપણે વિચારોથી અઘરી બનાવીએ છીએ.આપણે 60 હજાર વિચારો કરીએ છીએ જેમાં 75 ટકા વિચારો નેગેટિવ હોય છે અને તેના 90 ટકા રીપીટેટીવ હોય છે. જે વિચારો રીપીટ કરીએ છીએ તે સબકોન્શિયસ માઈન્ડ પકડી લે છે અને તેને સાચા બનાવે છે તેથી અમુક વિચારોના કારણે આપણે પ્રગતિ કરી શકતા નથી.દરેક સ્ત્રી નીતા અંબાણી જેવી લાઇફ જીવી શકે છે. સક્સેસ ટોટાલિટી છે. સક્સેસ ફક્ત પૈસો નથી પણ સક્સેસ રિલેશનશિપ છે,પૈસા પણ છે અને વેલ્થ છે બધામાં તમારી હાઈ ફ્રિકવન્સી હશે તો તમને સક્સેસ થતા રોકી શકશે નહીં.