બ્રાસપાર્ટના વધુ બે કારખાનેદાર સાથે રૂા.74 લાખની છેતરપિંડી
અમદાવાદના વેપારી સામે ઠગાઇની ફરિયાદ
જામનગરના બે બ્રાસપાર્ટ ના કારખાનેદારોએ મૂળ વલસાડના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક વેપારીને 74 લાખનો માલ સપ્લાય કર્યા બાદ તેની રકમ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જેમાં પોલીસે તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં માં રહેતા અને ઉદ્યોગ નગર વિસ્તારમાં બ્રાસપાર્ટ નું કારખાનું ધરાવતા હિરેનભાઈ મનસુખભાઈ પટેલે પોતાના કારખાનામાં તૈયાર કરેલો માલ સામાન ઉપરાંત અન્ય કારખાનેદાર ચિરાગભાઈ પટેલે પણ પોતાને ત્યાં પિત્તળ નો માલ સામાન તૈયાર કરીને વલસાડના વેપારી મયુરભાઈ હરીશભાઈ દૂધૈયા ને સપ્લાય કર્યો હતો.
ગત જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં અનેક વખત 74,54,444 જેટલી રકમ મેળવવા માટેની માંગણી કરી હતી. પરંતુ આરોપી દ્વારા તે રકમ આપવામાં આવી ન હતી. અને ચેક અપાયા હતા. જે ચેક પણ બેંકમાંથી પાછા ફર્યા હતા.
આખરે સમગ્ર મામલો પંચકોશી બી. ડીવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને હિરેનભાઈ પટેલ દ્વારા વલસાડના મયુરભાઈ હરીશભાઈ દુધૈયા કે જે હાલ અમદાવાદ રહે છે, જેની સામે રૂૂપિયા 74,54,444 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ચિટિંગ અંગે ગુનો નોંધી તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે.