બીએસએનએલના મહિલા અધિકારી સાથે શેરબજારમાં 500 ટકા રિટર્નની લાલચ આપી રૂ.55 લાખની છેતરપિંડી
રોકાણ કરેલી રકમનું 3 કરોડનું વળતર ખાતામાં જમા કરાવે તે પૂર્વે ગ્રુપમાંથી રિમૂવ કરી નાખ્યા
ઓનલાઈન છેતરપિંડી કરતા સાઈબર માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે આવી ગેંગનો ભોગ રાજકોટ બીએસએનએલના મહિલાઅધિકારી બન્યા હતા. શેરબજારમાં રોકાણનું 500 ટકા વળતરની લાલચ આપી ઝડપથી વધુ નાણા કમાવવાની લાલચમાં ટેલિકોમના મહિલા કર્મચારીએ 55 લાખ ગુમાવતા આ મામલે અલગ અલગ 12 ખાતાધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોટી ટાંકી ચોક પાસે રહેતા અને બીએસએનએલમાં જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવતાં બેલાબેન સુરેશચંદ્ર વેધ (ઉ.વ.39)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલગ અલગ 12 બેંકના ખાતા નંબર આપ્યા હતા. બેલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.5મેના તેઓના ફેસબુકમાં એક જાહેરાત જોવા મળી હતી, જેમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ત્રણ મહિનામાં 500 ટકા રિટર્નની લાલચ આપવામાં આવી હતી, તે જાહેરાત જોઇને બેલાબેને જાહેરાતની લીંકમાં ક્લીક કરતાં પ્રાઈમ વીઆઈપી બેંક નામના વોટ્સએપ ગૃપમાં જોડાઈ ગઈ હતી તેમાં એક ફેગમવે નામની એપ આવતા ઇન્સ્ટોલ કરી હતી જેમાં તેમને આઈડી, પાસવર્ડ મળ્યા હતા.
જેમાં લોગઇન કરતા અપર સર્કીટ સ્ટોક અને આઈપીઓમાં રોકાણ કરવા બેંકના ગૃપમાં જોડાઈ ગઈ હતી તે પછી રૂૂ. 10,500, 5 હજાર, 10 હજાર, રૂૂ.3.93 લાખ અને 5 લાખ એમ કુલ રૂૂ.55,94,594 જુદા જુદા ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. તેમજ વિશ્વાસ કેળવવા તેમને રૂૂ.1.94 લાખ પરત આપ્યા હતા બાદમાં નાણા તથા એપ્લીકેશનમાં પ્રોફ્ટિ સાથે કુલ 3 કરોડ રૂૂપિયા બતાવતા હતા. જે ખાતામાં જમા કરાવવા માટે બેલાબેને પ્રોસેસ કરતા કોઈ નાણા પરત મળ્યા ન હતા અને તેમને વોટ્સઅપ ગૃપમાંથી રીમુવ કરી દેવામાં આવ્યા હતા. બીએસએનએલમાં જુનિયર ટેલિકોમ ઓફિસર સાથે ઓનલાઈન છેતરપિંડી અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.