સૌરાષ્ટ્ર-મ.ગુજરાતને જોડતા ગંભીરા બ્રિજના કટકા
4 વાહનો નદીમાં ખાબકતાં ત્રણનાં મોત
વહેલી સવારે દુર્ઘટના સર્જાતા અફરાતફરી, બે ટ્રક-બોલેરો સહિત 4 વાહનો નદીમાં ખાબક્યા, 8 લોકોના રેસ્ક્યુ કરાયા
સૌરાષ્ટ્રથી અવરજવર કરતાં મોટા વાહનો ટોલટેક્સ બચાવવા જર્જરિત ગંભીરા બ્રિજનો કરતા હતા ઉપયોગ
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વાહનવ્યવહાર માટે મહત્વનો ગણાતો વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો પાદરા તાલુકાના મુજપુર પાસેનો મહિસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ બનાવમાં બે ટ્રક, એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 8 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. આજે સવારે ગંભીરા બ્રિજ અચાનક તૂટતા બ્રીજ ઉપરથી પસાર થતા વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા જયારે પુલ ઉપરથી પસાર થયું એક ટેન્કર બ્રિજ પર લટકી પડ્યું હતું. ગંભીર દુર્ઘટનામાં કેટલાક વાહનો મહીસાગર નદીમાં પડ્યા હોવાની માહિતી મળી રહી છે. આ ગંભીરા બ્રિજ વડોદરા, ભરૂૂચ અને દક્ષિણ ગુજરાતને જોડે છે. નોંધનીય છે કે, આ બ્રિજ ઘણી જ જર્જરિત હાલતમાં હતો.
આ બ્રિજ તૂટતા અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હોય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. આ બ્રિજ તૂટી પડવાને કારણે વાહનચાલકોને 40 કિલોમીટર ફરીને જવું પડશે.મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં 8 લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત રાજુભાઇ હાથિયા અને દિલીપભાઇ પઢીયાર સહિત 8ને વડોદરા અને આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા.
પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું હતું કે પાણીમાં ખાબકેલા લોકોને બચાવવાની કામગીરી શરુ કરાઇ છે વર્ષો જૂનો ગંભીરા બ્રિજ લાંબા સમયથી જર્જરિત હતો. બ્રિજનું માત્ર સમારકામ કરી સંતોષ મનાયો હતો આ ઘટનાથી આણંદથી વડોદરા, ભરૂૂચ, અંકલેશ્વર સંપર્ક તૂટ્યો હતો. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો હોય જેની અસર વાહન વ્યવહાર ઉપર પડી છે. ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી જતા હવે અવરજવર કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કરવમાં આવી રહ્યો છે. ગંભીરા બ્રિજ જર્જરિત હોવા છતાં તેને બંધ ન કરતા દુર્ઘટના બની હતી. વર્ષ 1981માં ગંભીરા બ્રિજ બન્યો હતો અને 1985માં ગંભીરા બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ નવો બ્રિજ બનાવવા માંગણી કરી હતી. સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી. નવો બ્રિજ બનાવવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ જર્જરિત બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરાઇ નહોતી. સૌરાષ્ટ્ર તરફથી આવતા મોટા વાહનો ટોલ ટેક્સ બચાવવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.
વડોદરાના કલેકટરે જણાવ્યા અનુસાર ઘટના બાદ ટ્રાફિકનો વૈકલ્પિક માર્ગ શરુ કરવામાં આવશે. બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હોવા છતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટ્યાં હતા. જંબુસર- ભરુચથી પાદરા જતા લોકોને 40 કિલોમીટર ફરીને જવું પડશે બ્રિજ તૂટવાની ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે પાદરા પોલીસ અને વડોદરાના કલેકટર સહિતની કર્મચારીઓ ઘટના સ્થેળ પહોંચ્યા હતા. તેમજ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
તંત્રની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની: અમિત ચાવડા
આ અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આજે સવારે એક્સ પર માહિતી શેર કરી છે. તેમણે આ અંગેના વીડિયો અને માહિતી શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે. અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.