હરીપર-મેવાસા ફાયરિંગ કેસના ચાર આરોપીઓની ધરપકડ
ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ કરી નાસી છૂટેલ
કાલાવડ તાલુકાના હરીપર-મેવાસા ગામમાં થયેલા ફાયરીંગના બનાવમાં પોલીસે મહત્વની સફળતા હાંસલ કરી છે. ગત સપ્તાહે ફટાકડા ફોડવાની બાબતે ઉદભવેલા વિવાદમાં ચાર શખ્સોએ મોટરમાં આવીને ગામમાં અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ગામમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા કાલાવડ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ કરી હતી.
સઘન તપાસ બાદ પોલીસે યુનુસ તૈયબ હાલેપોત્રા, આસીફ તૈયબ અને મામદ નાથા સહિતના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓની પાસેથી ઉપયોગમાં લેવાયેલા હથિયારો કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ ફાયરીંગ કરવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.