સરધાર પાસે અકસ્માતના ચાર હતભાગીઓની ગોંડલમાં એકસાથે અંતિમ યાત્રા, કરુણ દૃશ્યો સર્જાયા
રાજકોટ ભાવનગર હાઇવે પર અલ્ટો કાર અને હોન્ડા સીટી કાર સામસામી અથડાતા સર્જાયેલ અકસ્માત માં અલ્ટો કાર અગનગોળો બની ગઈ હતી. અલ્ટો કારમાં 8 લોકો સવાર હતા. જેમાં કારમાં સવાર ગોંડલ નાં માતા પુત્રી સહિત 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર લોકો ભંડારીયા ગામ પાસે સબંધીને ત્યાં લગ્નમાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પૂરો કરી શનિવારે બપોરે ગોંડલ પરત ફરી રહ્યો હતો તે દરમ્યાન અલ્ટો કાર સરધાર નજીક પોહચી અને સામે આવતી હોન્ડા સીટી કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અલ્ટો કારમાં બેઠેલા ગોંડલ નાં વિજય નગર માં રહેતા હેમાંશીબેન શાહીલભાઈ સરવૈયા (ઉ.વ. 19) ,હેતવીબેન અતુલભાઈ મકવાણા (ઉ.વ. 4) ,નિરૂૂપાબેન અતુલભાઈ મકવાણા (ઉ.વ. 30), મિતુલ અશોકભાઈ સાકરીયા (ઉ.વ.13) આગની ચપેટમાં આવી ગયા હતા અને ઘટના સ્થળે જ ચારેય લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો શાહીલ સરવૈયા (ઉ.વ.22), હિરેન અતુલભાઈ મકવાણા (ઉ.વ.15), નિતુબેન અશોકભાઈ સાકરીયા (ઉ.વ. 40) ગંભીર દાઝી જતા અને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.મૃતકોના પી.એમ કરાયા બાદ મૃતદેહને પરિવાજનોને સોંપવામાં આવ્યા હતા. મૃતદેહો ગોંડલ પંહોચતા વિજયનગર શોકમગ્ન બની હિબકે ચડયુ હતુ.અને રુદનનો માહોલ સર્જાયો હતો. બપોરે ચારેયની અંતિમયાત્રા સાથે નીકળતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા.
સ્મશાન માં માતા નિરુપાબેન તથા ચાર વર્ષ ની માશુમ પુત્રી હેતવીને એકજ ચીતા માં અગ્નિદાહ અપાયો ત્યારે પાષાણ હૃદય નાં માનવી પણ રડી ઉઠે તેવી કરુણતા છવાઇ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર હીમાંશીબેન નાં બે મહિના પહેલા ફેબ્રુઆરીમાં શાહીલ સરવૈયા સાથે લગ્ન થયા હતા. શાહીલભાઈ જેતપુર રોડ પર ફેબ્રિકેશનની દુકાન ધરાવે છે. હાલ અકસ્માતમાં શાહીલભાઈ ઈજાગ્રસ્ત હોય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.