વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ સહિત 19ના ફોર્મ માન્ય
ગુજરાત વિધાનસભાની વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમા 2 જુનનાં રોજ ઉમેદવારી પત્ર ભરવાની મુદત પુરી થયા બાદ ગઇકાલે ફોર્મ ચકાસણી હાથ ધરાઇ હતી. જેમા કુલ 19 ઉમેદવારોનાં ફોર્મ માન્ય રાખવામા આવ્યા છે. જેમા કોંગ્રેસ, આપ, પ્રજાશકિત ડેમોક્રેટીક પાર્ટી અને અપક્ષ ઉમેદવારોનાં ફોર્મ માન્ય રહેલ છે. જયારે 3 ઉમેદવારોનાં ફોર્મ અમાન્ય રાખવામા આવેલ છે.
વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમા ત્રિપાંખીયા જંગ વચ્ચે 16 જેટલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ માન્ય રખાયા છે. આજે ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ છે. ત્યારે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જાશે. ચૂંટણી અધિકારી દ્વારા ડમી ઉમેદવારી તરીકે ફોર્મ ભરેલ કોંગ્રેસનાં ચંદ્રીકાબેન વાડોદરીયા, ભાજપનાં રમણીકભાઇ દુધાત અને આમ આદમી પાર્ટીનાં હરેશભાઇ સાવલીયાનુ ફોર્મ રદ જાહેર કરાયુ હતુ. જયારે મુખ્ય ઉમેદવાર ભાજપનાં કિરીટ પટેલ, કોંગ્રેસનાં નિતીનભાઇ રાણપરીયા, આમ આદમી પાર્ટીનાં ગોપાલ ઇટાલીયા સહીતનાં 19 જેટલા કુલ ઉમેદવારોનાં ચૂંટણી ફોર્મ માન્ય રાખવામા આવ્યા છે. પ્રજા શકિત ડેમોક્રેટીક પાર્ટીનાં ઉમેદવાર તરીકે કિશોરભાઇ કાકળનુ ફોર્મ પણ માન્ય રાખવામા આવેલ છે. આ ઉપરાંત અપક્ષમાથી સંજય ટાંક, નિરૂપાબેન, બિનલકુમાર પટેલ, ભરત પ્રજાપતિ, રોહિત સોલંકી, સુરેશ માલવિયા, હિતેષ વઘાસીયા, તુલસી લાલૈયા, યુનુસ સોલંકી, રજનીકાંત વાઘાણી, કલ્પના ચાવડા, રાજેશ પરમાર, અનિલ ચાવડા, દિલસુખ હિરપરા અને રાજ પ્રજાપતિનાં ફોર્મ માન્ય રાખેલ છે.
આજે ઉમેદવારી પરત ખેચવાની છેલ્લી તારીખ હોય ઘણા બધા અપક્ષ ઉમેદવારોનાં ફોર્મ પાછા ખેચાય જવાની પણ શકયતા છે. ફોર્મ પાછા ખેચાય જવા બાદ સાંજે વિસાવદર પેટા ચૂંટણીનુ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.